ભરૂચ જિલ્લામાં મણિપુર હિંસાના પડઘા જોવા મળી રહ્યા છે, ગત રવિવારે આદિવાસી વિસ્તારમાં આદિવાસી મહિલા પર થયેલ અત્યાચાર મામાલે બંધનું એલાન આપવામાં આવ્યું હતું જે બાદ વિવિધ સંગઠનો દ્વારા પણ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે, અને સળગી ઉઠેલા મણિપુરને બચાવવા અને દોષિતો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.
આજરોજ ભરૂચ જિલ્લા આદિવાસી સમાજના અગ્રણીઓ અને લોકો ભરૂચ કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા, હાથમાં બેનર લઈ ભરૂચ જિલ્લા આદિવાસી સમાજના લોકોએ મણિપુર હિંસાને રોકવાની માંગ કરી હતી તેમજ આદિવાસી સમાજની મહિલાઓ સાથે થયેલ હિંસાના દોષિત સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી, આદિવાસી મહિલા સાથે થયેલ કૃત્ય મામલે નરાધમો સામે તાત્કાલિક એક્શન લેવાની માંગ કરી હતી અને જો એક્શન નહીં લેવાય તો સમગ્ર આદિવાસી સમાજ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
મોટી સંખ્યાયામાં બેનરો લઈ પહોંચેલા ભરૂચ આદિવાસી સમુદાયના લોકોએ રાષ્ટ્રપતિને સંબોધિત જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને વહેલી તકે સરકાર એક્શનમાં આવી આ હિંસાને અટકાવી સળગી ઉઠેલા મણિપુરને બચાવી લેવાની માંગ કરી હતી તેમજ આદિવાસી મહિલા સાથે થયેલ કૃત્યના દોષિતોને વહેલી તકે સજા આપવાની માંગ કરી હતી.