ભરૂચ શહેરમાં મહોરમ પર્વના 9 અને 10 માં ચાંદના દિવસે પશ્ચિમ વિસ્તારમાં આવેલ કતોપોર બજાર, ફુરજા ચાર રસ્તા, નદી કાંઠાને જોડતો માર્ગ, પીરકાંઠી માર્ગ, ફાટાતળાવ, ગાંધી બજાર ચોક, ઘાસ મંડાઈ સહિતના આસપાસના વિસ્તારમાંથી હજરત ઇમામ હુશેન અને હજરત ઇમામ હસન સહિત કરબલાના શહીદોની યાદમાં ભવ્ય તાજીયાનું જુલુશ વર્ષો જૂની પરંપરા મુજબ નીકાળવામાં આવે છે.
ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ દરમ્યાન મહોરમ પર્વ આવ્યો છે, આ પર્વ ઇસ્લામિક નવા વર્ષે તરીકે પણ મનાય છે. કેલેન્ડરમાં તારીખોનું વર્ષ જાન્યુઆરીથી જ જોવા મળે છે, છતાં ભરૂચ નગરપાલિકાનું તંત્ર અને પશ્ચિમ ભાગમાંથી ચૂંટાઈને આવતા નગર સેવકોનાં ઘોડા છૂટી ગયા પછી તાળા મારવા જેવી નીતિના કારણે આજે આ પર્વ મનાવવામાં વિલંબ આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
કોંગ્રેસ, ભાજપ, AIMIM સહિતની પાર્ટીઓના ચૂંટાયેલા જ પ્રતિનિધિઓ અને તાજીયા કમિટીના આગેવાનો મળીને પણ તાજીયા રૂટનો માર્ગ અગાઉથી સરખો ન કરાવી શક્યા હોય તેવી સ્થિતિ આજે તાજીયા રૂટના વિસ્તારોમાં જોવા મળી રહી છે, બિસ્માર માર્ગ અને ગટરોના ગંદા પાણી રસ્તા ઉપર વહી રહ્યા છે, ગટરોની યોગ્ય સાફ સફાઈનો અભાવ અને રસ્તાના રીપેરીંગ કાર્યમાં ઢીલાશ અને સ્ટ્રીટ લાઈટોના અભાવ વચ્ચે તાજીયા રૂટ પર તાજીયા જુલુશ કાઢવા જેવી નોબત સર્જાઈ હોવાનું કહેવાય રહ્યું છે.
ભરૂચમાં વરસાદી માહોલ બાદ આ રૂટ પર જળ ભરાવો થતો હોવાનું વર્ષોથી જોવા મળી રહ્યું છે, તેમાં પણ મુખ્ય કારણ ગટરોની યોગ્ય સાફ સફાઈ અને ઊંડાણ ન કરવામાં આવતા આ સ્થિતિનું સર્જન થાય છે. આગેવાનો, જન પ્રતિનિધિઓ જાણે છે છતાં તહેવારોનાં ટાઈમે પણ ફાટા તળાવથી ગાંધી બજાર માર્ગ, પીરકાંઠીથી ચાર રસ્તા માર્ગ અને નદી કિનારાના માર્ગને યોગ્ય ન કરવામાં આવતા મહોરમ પર્વ અને પવિત્ર તાજીયા જુલુશ તંત્ર અને આગેવાનોના કારણે ગંદકી ભર્યા માહોલ વચ્ચે મનાવવા મજબુર બન્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.