ભરૂચ શહેરના ગાંધી બજાર, ચાર રસ્તા અને ફાટા તળાવ માર્ગ પર અનેક ખુલ્લી ગટરો આવેલી છે, દર વર્ષે આ ખુલ્લી ગટરોમાં વરસાદી પાણી ઉભરાતા ગટરો રાહદારીઓને દેખાતી નથી જેના કારણે અનેક લોકો ગટરમાં ઉતરી જતા હોય છે, ગત વર્ષે પણ આ ખુલ્લી ગટરોના કારણે 20 થી વધુ લોકો અંદર ખાબકી ગયા હતા,જે ઘટનાઓના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, ત્યાર બાદ પણ પાલિકાનું જાડી ચામડીનું તંત્ર કુંભકર્ણ નિદ્રા અવસ્થામાં હોય તેમ લાગી રહ્યું છે.
ચાલુ વર્ષે ચોમાસામાં પણ ચાર રસ્તા વિસ્તારમાં સ્થિતિ ગત વર્ષે ની જેમ જ જોવા મળી રહી છે, જેમાં આજે સવારે વરસાદી પાણી ગટરોમાં ભરાયા બાદ રસ્તા ઉપર ઉભરાતું નજરે પડ્યું હતું, જ્યાંથી એક બાળક પસાર થતું હોય તેને ગટર હોવાનું અંદાજ ન રહેતા આખરે તે ગટરમાં ઉતરી ગયો હતો, જોકે સ્થાનિકોની સતર્કતાના કારણે બાળકને તરત ગટરની બાહર સલામત રીતે કાઢવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે નજીકમાં જ કતોપોર બજાર આવેલું છે અને આ વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા રહે છે, તંત્રને અનેક રજુઆતો ગટરો બંધ કરવા માટે સ્થાનિક દુકાનદારો તરફથી કરવામાં આવી છે પરંતુ પાલિકાના પેટનું પાણી ન હાલતુ હોય આખરે આ ચોમાસામાં પણ લોકો ગટરોમાં ખાબકી રહ્યા છે અને તંત્ર કોઈકનું જીવ જાય બાદમાં જ એક્શનમાં આવે તેવી નીતિ અપનાવી રહ્યું હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.