જો તમને કોઈ કહે કે એટીએમમાં જઈને ઓનલાઈન પેમેન્ટ કરવાથી રોજબરોજની જરૂરીયાતની ચીજ-વસ્તુઓ મળી રહેશે. રૂપિયાની જરૂર હોય તેમ એટીએમમાંથી ઉપાડી શકે તે જ રીતે ગ્રાહક એ.ટી.એમમાંથી જીવન જરૂરી સામગ્રી ઉપાડી શકે તો આ દિવાસ્વપ્ન જેવું જ લાગે. પરંતુ આ દિવાસ્વપ્ન ભરૂચ જિલ્લાના ખેડૂતોએ હકીકતમાં પુરવાર કર્યું છે.
ડિજિટલ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે સરકાર અથાક પ્રયત્ન કરી રહ્યું છે. જેને એક કદમ આગળ વધીને ભરૂચ જિલ્લાના ખેડૂતોએ નવતર આયામ અમલમાં મૂક્યો છે. જે અંતર્ગત ઓનલાઇન પેમેન્ટ કરવા સાથે એટીએમ મશીનમાંથી જીવન જરૂરી સામગ્રી મળી રહે તે માટે ભરૂચ જિલ્લાના ખેડૂતોએ ″ગૌ એકતા એગ્રી ઓર્ગેનિક″ દ્વારા એક અનોખું એટીએમ મશીન ઊભું કરાયું છે. જે ૨૪ કલાક ગ્રાહકો માટે કાર્યરત બનતા આર્શીવાદરૂપ સાબિત થયું છે.
ભારત દેશ એક ખેતીપ્રધાન દેશ માનવામાં આવે છે. ખેડૂતો પણ હવે આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકાર કરવા માટેના તમામ પ્રયાસો કરતા હોય છે. ખેડૂતો પોતાના ખેતરોમાં પકવેલા પાકથી માંડી પોતાના પશુઓનું દૂધ ગ્રાહકો સુધી પહોંચાડવા માટેના પ્રયાસો કરતા હોય છે. જેના પગલે હવે ખેડૂતોએ સંગઠન બનાવીને આત્મનિર્ભર કેવી રીતે બનાય તે માટેના પ્રયાસો કરી રહ્યા છે. જેના ભાગરૂપે ભરૂચના ઝાડેશ્વર ગામમાં સાઈ મંદિર નજીક ખેડૂતોની તમામ ઓર્ગેનિક સામગ્રીઓ ગ્રાહકો સુધી પહોંચે તે માટે જેમ રૂપિયાની જરૂર હોય તેમ એટીએમમાંથી ઉપાડી શકે તે જ રીતે ગ્રાહક એ.ટી.એમ.માંથી જીવન જરૂરી સામગ્રી ઉપાડી શકે તે માટેનું એક એ.ટી.એમ મશીન કાર્યરત કરવામાં આવ્યું છે.
ઝાડેશ્વર ગામમાં ખેડૂતોએ એક અનોખો એટીએમ મશીન ઊભું કર્યું છે. જેમાં ૨૪ કલાક ગ્રાહકોને જીવન જરૂરી સામગ્રી એવી દૂધ, પાણી, ઘી, દહી છાશ સહિતની સામગ્રીઓ એટીએમ મશીન ઉપરથી ઓનલાઇન પેમેન્ટ કરતા જ તેમને આ સામગ્રીઓ તરત મળી રહે છે. આ એટીએમ મશીન ગુજરાતમાં સૌ પ્રથમ ભરૂચ જિલ્લામાં કાર્યરત કરાયું છે. એટીએમ મશીન પ્રોજેક્ટ સફળ રહ્યો હોવાના કારણે આગામી દિવસોમાં ભરૂચ જિલ્લાના અન્ય સ્થળોએ પણ કાર્યરત કરનાર હોવાનું ખેડૂત અગ્રણી જણાવ્યું છે.ખેડૂતો દ્વારા ગૌ એકતા એગ્રી ઓર્ગેનિક સંસ્થા દ્વારા મૂકવામાં આવેલું એટીએમ મશીન ઘણા ગ્રાહકો માટે આર્શીવાદરૂપ સાબિત થયું છે.
દુકાનો ઉપર ખરીદી માટે જેટલો સમય લાગતો હોય છે તેના કરતાં ઓછો સમય એટીએમ મશીનમાં થાય છે અને ખેડૂતોનું ઓર્ગેનિક પ્રોડક્ટ ગ્રાહકોને સીધું મળી રહે છે. જેના કારણે એટીએમ પ્રોજેક્ટ ગ્રાહકો માટે આર્શીવાદરૂપ હોવાનું પણ ગ્રાહકો જણાવી રહ્યા છે.