ભરૂચ જિલ્લામાં નશાખોરીની દુનિયા ઉપર અંકુશ અને લગામ લગાવવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સતત પોલીસ વિભાગની વિવિધ ટિમો દ્વારા અલગ અલગ સ્થળે દરોડાઓ પાડી નશાનો વેપલો કરતા તત્વોને જેલ ભેગા કરવામાં આવી રહ્યા છે, તેવામાં ઝઘડિયા પંથક અને અંકલેશ્વર પંથકમાંથી વધુ બે બુટલેગરોને હજારોના શરાબના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડી તેઓને કાયદાના પાઠ શીખવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલિંગ માં હતા દરમ્યાન બાતમી મળેલ કે જલારામ સ્કૂલ રોડ પર આવેલ સર્જન બંગ્લોઝ સોસાયટીમાં મકાન નંબર 68 માં રહેતો અર્પિત ઉર્ફે અપ્પુ ધનેશ ભાઈ સુણેવવાલા નાનો પોતાના ઘરમાં મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખી ચોરી છુપીથી વેચાણ કરી રહ્યો છે જે બાદ પોલીસે તેના નિવાસ સ્થાને દરોડા પાડ્યા હતા જ્યાં અર્પિતના ઘરના દાદર નીચે લાકડાના કબાટનમાં સંતાડેલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે મામલે ઈંગ્લીસ દારૂની 66 નંગ બોટલો કબ્જે કરી બુટલેગરો અર્પિત ઉર્ફે અપ્પુ ધનેશ ભાઈ સુણેવવાલાની ધરપકડ કરી કુલ 48 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી, તો બીજી તરફ ઝઘડિયા પોલીસે પણ હજારોની કિંમતના શરાબના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો.
ઝઘડિયા પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન બાતમી મળી હતી કે મૂલદ ગામે નવી વસાહતમાં રહેતો નરેશ ઉર્ફે લંગડો શાંતિલાલભાઈ વસાવા તેના રહેણાંક મકાનમાં વિદેશી શરાબ સંતાડી રાખી વેચાણ કરી રહ્યો છે જે બાદ પોલીસે દરોડા પાડી તેના મકાનના અંદરના ભાગેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલ તેમજ બિયરના ટીન કબ્જે કરી કુલ 26 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે બુટલેગર નરેશ ઉર્ફે લગડો વસાવાની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.