હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ખાસ કરી નદી નાળાઓમાં પણ નવા નીર આવવાથી છલકાઈ ઉઠ્યા છે, તો ઉનાળામાં સુક્કી ભઠ બનેલ ખાડીઓ પણ હવે પાણી ભરાવાના કારણે છલો છલ બની છે, તેવામાં હવે જળચર પ્રાણીઓ પણ જમીની સ્તર પર જોવા મળી રહ્યા છે, સાંપ હોય કે પછી નદીના નીરમાં તણાઈને આવતા મગર કિનારાઓ ઉપર નજરે પડતા સામે આવી રહ્યા છે.
ભરૂચ-અંકલેશ્વર માર્ગ ઉપર છાપરા પાટિયા પાસે આજે બપોરના સમયે 8 થી 10 ફૂટ લાંબો મહાકાય મગર નજરે પડ્યો હતો, નર્મદા નદી પાસે આવેલ છાપરા ગામ તરફ જવાનાં માર્ગ ઉપર ખાડીના જળમાં આ મગર આવી પહોંચ્યો હતો જે બપોરના સમયે કાંઠે આરામ કરતો નજરે પડતા નજીકથી પસાર થઈ રહેલા વાહન ચાલકોના ટોળા મગરને નિહાળવા માટે ઉભા રહી ગયા હતા.
મહત્વનું છે કે ભરૂચ – અંકલેશ્વરને જોડતા માર્ગને અડીને આવેલ ખાડીમાં ખેતરો સહિત નદીના ભરતીનું પાણી સગ્રહ થઈ રહે છે જેમાં અવારનવાર આ પ્રકારના મહાકાય મગર નજરે પડતા હોય છે, આ અગાઉ પણ કેટલાય મગર આ ખાડીમાં જોવા મળ્યા હતા તેવામાં વધુ એકવાર મગર કાંઠે આરામ ફરમાવતો નજરે પડ્યો હતો જેને જોવાનો લ્હાવો ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ લીધો હતો.