તહેવારોની સીઝન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ભરૂચ જિલ્લા પોલીસે મંગળવારે રાતે મેગા કોમ્બિંગનું આયોજન કર્યું હતું. ભરૂચ શહેર, દહેજ તથા અંકલેશ્વરને ધમરોળી 690 જેટલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંહ તરફથી મળેલી સૂચનાના આધારે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ એ આગામી તહેવારોને ધ્યાને લઇ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને હંતિમય વાતાવરણમાં તહેવારોની ઉજવણી થાય તે ઉદ્દેશ્યથી અગમચેતીના ભાગરૂપે નાયબ પોલીસ અધિક્ષકના સુપરવિઝન હેઠળ ભરૂચ જીલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી ભરૂચ સી ડીવીઝન પો.સ્ટે. વિસ્તાર, દહેજ પો.સ્ટે. વિસ્તાર તેમજ અંકલેશ્વર શહેર વિસ્તારમાં મંગળવારે રાતે કોમ્બિંગ આયોજન કરાવ્યું હતું.
આ કોમ્બીંગમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ, પેરોલ ફર્લો સ્કોડ, ક્યુ.આર.ટી, બોમ્બ સ્કોડ અને સ્થાનિક પોલીસ સહિતની ટીમ જોડાઈ હતી. ભરૂચ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનની ટીમોની મદદ સાથે 30 થી વધુ પોલીસ અધિકારીઓએ આ વિસ્તારોને ધમરોળ્યા હતા.
પોલીસનાં કોમ્બિંગ દરમિયાન 690 કેસ કરાયા હતા જેમાં મોટર વેહિકલ એક્ટ 207 હેઠળ 166 વાહન જપ્ત કરાયા હતા, મકાન માલિકો વિરુદ્ધ IPC 188 હેઠળ જાહેરનામા ભંગના 83 ગુના દાખલ કરાયા હતા,સાથે સાથે પ્રોહીબીશનના 61 કેસ દાખલ કરાયા હતા તો મોટર વ્હીકલ એક્ટ 185 હેઠળ 2 કેસ કરાયા હતા અને ગુજરાત પોલીસ એક્ટ 135 હેઠળ 2 ગના દાખલ કરાયા તેમજ બહારગામથી આવલા 376 લોકોની બી રોલ દાખલ કરાઈ હતી.
કોમ્બિંગમાં જોડાયેલ પોલીસબળ સંખ્યાની વાત કરીએ તો પોલીસ ઇન્સ્પેકટર 16 પોલીસ સબ ઇન્સ્પેકટર-14 અને પોલીસકર્મીઓ – 150 એક સાથે ભરૂચ, અંકલેશ્વર અને દહેજ વિસ્તારમાં પોતાની ફરજ ઉપર કામે લાગ્યા હતા, અચાનક વિસ્તારોમાં પોલીસના ધામા જોઈ એક તબબકે લોકોમાં પણ ભારે ખળભળાટ મચ્યો હતો.