ભરૂચ જિલ્લાના નાંદ ગામ ખાતે આજથી એક માસ માટે મેળાનું આયોજન થનાર છે. આ મેળામાં લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોશીએ સ્થળ મુલાકાત કરી આયોજન સંદર્ભે બેઠક યોજી હતી. નાંદ ખાતે વહીવટીતંત્ર દ્વારા યાત્રાળુઓ માટે અલાયદી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવનાર છે.
ભરૂચ વહીવટીતંત્ર દ્વારા નાંદ ગામે મેળાને લઈને તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ મેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત, રોગચાળો ફાટી ન નિકળે તે માટે જિલ્લા આરોગ્ય તંત્રને તૈનાત કરવામાં આવશે. પાર્કીંગ, મોબાઈલ ટોયલેટ, પિવાના પાણી અને સ્વચ્છતાની જાળવવા માટે ખાસ અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવશે.
વધુમાં, એસટી વિભાગ દ્નારા યાત્રામાં આવતા યાત્રાળુઓ માટે બસની સુવિધા ઉભી કરવામાં આવી છે. પ્રતિ કલાકે એક એસ. ટી. બસ નબીપુર- સમરોદ થઈ નાંદ ગામ જશે અને અન્ય એક બસ નાંદ ગામથી ઝનોર થઈ ભરૂચ આવશે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે વન- વે રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમણે નદીમાં સ્નાન ન કરવું હોઈ તેમના માટે તંત્ર દ્વારા સ્થળ પાસે ફુવારા લગાવામાં આવશે. સલામતીના હેતુસર નદીમાં પવિત્ર સ્નાન માટે સાંજે ૬ : ૩૦ સુધીનો સમય નકકી કરવામાં આવ્યો છે.
વધુમાં, નદીમાં મગર પણ હોવાથી તેના ભયસ્થાનો પર ઝાડી વાળી રેલીંગ લગાડવામાં આવશે. નાંદ ગામે આવતા યાત્રાળુઓ માટે ભૌતિક તમામ સુવિધાઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉભી કરવામાં આવનાર છે.
*યાત્રકના નિવારણ અર્થે પવિત્ર એવા નર્મદા કિનારે સ્નાન કરાવાનો મહિમા*
શ્રાવણ વદ અમાસથી ૧૬ ઓગસ્ટ ૨૦૨૩ સુધી નાંદ ગામે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. નાંદ ગામ ખાતે ભરાતો મેળો દર ૧૮ વર્ષ બાદ આવતો હોવાથી ધાર્મિકતાની દ્રષ્ટિ એ ધણું જ મહાત્મય ધરાવે છે. નર્મદા નદીમાં સ્નાનનો અનોખો મહિમા હોવાથી લોકો સ્નાન કરી અધિક માસની જાત્રા કરતા હોય છે.
નર્મદા પુરાણ અનુસાર “ નંદાહદ ” નંદા સરોવરમાં સ્નાન કરવાનો મહિમા છે. આ નાંદ ગામ સાથે નંદરાજાના સાતમા સંતાન નંદ પુત્રી હોવાને કારણે પ્રચલીત છે. નંદાદેવીએ કંસ રાજાના હાથમાંથી છુટી કંસ વધની આગાહી કરી હતી. તેમણે મહીસાસુર અને તેના જેવા અનેક દૈત્યોનો સાથે દુષ્ટ આત્માઓનો વધ કર્યો હતો. તેથી લાગેલા યાત્રકના નિવારણ અર્થે પવિત્ર એવા નર્મદા કિનારે તેત્રીસ કરોડ દેવતા સહીત સ્નાન તપ કર્યું હતું. તેથી આ સ્નાન કરવાની જગ્યાનું નામ“ નંદા હદ” (નંદા સરોવર) પડ્યું. અને આ સરોવર પાસે વસેલું ગામ એટલે આજનું નાંદ. આજ કારણે અહીં શ્રાવણ વદ અમાસ થી એક માસ સુધી સ્નાન કરવાનો અનોખો મહિમા છે. પુરા ભારતના યાત્રા ધામો પૈકી નંદાહદ નંદા સરોવર નાંદ ચોથા નંબરનુ યાત્રાધામ હોવાની પણ માન્યતા પ્રચલિત છે. આ યાત્રામાં ભારતભરમાંથી લોકો આવી સ્નાન કરી ધન્યતા અનુભવે છે.