જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે જુદા-જુદા અભ્યાસક્રમમાં તાલીમ લેતી બહેનો માટે ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા યુવક નેતૃત્વ સહકારિતા તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેની પૂર્ણાહૂતી પ્રસંગે મુખ્ય મહેમાન પદે ભરૂચ જિલ્લા સહકારી સંઘના પ્રમુખ જયંતિભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા અતિથિ વિશેષ પદે ગુજરાત રાજ્ય સહકારી સંઘના ડિરેક્ટર રવિન્દ્રસિંહ અરૂણસિંહ રણા તથા મહિલા સી.આઈ.ઈ રેશ્માબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત પ્રવચન કરતા જે.એસ.એસ ના નિયામક ઝયનુલ આબેદીન સૈયદે સંસ્થાનની પ્રવૃત્તિઓ અને સહકારિતા ઉપર વિગતો રજૂ કરી હતી તેમજ હાલમાં ચાલી રહેલ સ્કીલ ઈન્ડિયા કાર્યક્રમ અંતર્ગત પી.એમ.કે.વી.વાય ૪.૦ અંગે ચર્ચા કરી હતી અને બહેનોને આ પ્રકારની સહકારી તાલીમનો ઉપયોગ કરી પોતાના જીવનમાં ચરિતાર્થ કરવા અપીલ કરી હતી.
પ્રાસંગિક પ્રવચન કરતા રવિન્દ્રસિંહ રણાએ ભારતમાં સહકારિતાના મહ્ત્વ તેમજ સહકાર મંત્રાલયની સ્થાપના અને મોટા પાયે સક્રિય સહકારી સંસ્થાઓ અને તેમનાં વિકાસનાં આંકડાઓ રજુ કર્યા હતા અને તેમણે જણાવ્યું હતુ કે ભારતમાં આજની તારીખમાં ઈફ્કો જેવી સંસ્થા ૪૧ હજાર કરોડ જેવો જંગી નફો કરી રહી છે તેના વિષે પ્રકાશ પાડ્યો હતો.
મુખ્ય મહેમાન પદેથી બોલતા ભરૂચ જિલ્લા સહકારી સંઘના પ્રમુખ જયંતિભાઈ પટેલ દ્વારા બહેનોને માર્ગદર્શન રૂપે અનેક સહકારી સંસ્થાઓના દાખલા સાથે લિજ્જત પાપડ સહિતની જુદી-જુદી સહકારી સંસ્થાઓ વિષે માહિતી પુરી પાડી હતી અને જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આ પ્રકારની તાલીમમાં વિદ્યાર્થીઓને જોડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં વધુ સારા કાર્યક્રમો સયુંકત રીતે યોજવા જણાવ્યુ હતુ.