ભરૂચ જિલ્લાના માથેથી ટ્રાફિકનું ગ્રહણ વર્ષોથી હટવાનું નામ ન લેતું હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન હજુ સુધી યથાવત છે, પહેલા નેશનલ હાઇવે ઉપરના સરદાર બ્રિજનું ટ્રાફિક રાષ્ટ્રીય સ્તરે ચર્ચાસ્પદ હતું જેના હલ માટે કેબલ બ્રિજનું નિર્માણ થયું અને મહદઅંશે ત્યાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવ્યું હતું.
પરંતુ ભરૂચ -અંકલેશ્વરના મુખ્ય માર્ગો ઉપર હજુ પણ ટ્રાફિકની સમસ્યા યથાવત છે, ખાસ કરી ભરૂચના મુખ્ય માર્ગો વાહનોની ક્ષમતા કરતા સાંકડા બનતા જઈ રહ્યા છે જેને કારણે ઉત્તર, દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ ચારે દિશા તરફ જોડતા માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યા રોજિંદી બની છે.
છેલ્લા બે દિવસથી ભરૂચના શ્રવણ ચોકડી વિસ્તાર, ઝાડેશ્વર રોડ, અને મહંમદપુરા માર્ગ પર અવારનવાર ચક્કાજામ સર્જાયો હતો જે બાદ હવે આજથી પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે. ગેરકાયદેસર પાર્કિંગ, રોંગ સાઇડ આવતા વાહનો અને ટ્રાફિકના નિયમો વિરુદ્ધ ચાલતા વાહનો સામે પોલીસે લાલ આંખ કરી દંડનીય કાર્યવાહી સ્વરૂપે એક્શન લીધા છે.