ભરૂચ જિલ્લામાં એક બાદ એક મુસ્લિમ દીકરીઓને અન્ય ધર્મના વિધર્મી યુવાનો પટાવી ફોસલાવી અપહરણ કરી ભગાડી લઈ ગયા બાદ તેઓનું ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરતા હોવાના અનેક મામલા ચાલુ માસ દરમ્યાન સામે આવ્યા છે, તેમ જણાવી ગુમ થયેલ મુસ્લિમ દીકરીઓના પરિવારજનો અને મુસ્લિમ અગ્રણી અબ્દુલ કામથીની આગેવાનીમાં આજરોજ જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે દરમ્યાનમાં જ અનેક મુસ્લિમ દીકરીઓ ગુમ થઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરી દીકરીઓને અન્ય ધર્મના વિધર્મી યુવાનો ભગાડી લઈ જઈ દાહોદ પાસેના એક ગ્રામ્ય વિસ્તારમાં દીકરીઓના ધર્મ પરિવર્તન કરાવી તેઓની સાથે લગ્ન કરતા હોવાનું પીડિત પરિવારજનો એ આવેદન પત્રમાં ઉલ્લેખ કર્યો હતો, સમગ્ર મામલામાં જે-તે પોલીસ મથકોમાં ફરિયાદો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી આ અંગે કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાનું પીડિત પરિવારજનો સહિત મુસ્લિમ આગેવાનો જણાવી રહ્યા છે.
આજેરોજ ભરૂચ જિલ્લા કલેકટરને અપાયેલ આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે તાજેતરમાં ટંકારીયા ગામની મુસ્લિમ સમુદાયની દીકરી તથા ઉમલ્લા ગામની દીકરી, ટંકારી બંદર ગામની દીકરી, શબનમ પાર્ક ભરૂચની મુસ્લિમ દીકરી, કસક ભરૂચની મુસ્લિમ દીકરી, ડુમવાદ મંગલબજાર ભરૂચની દીકરી, હિંગલૉટ ગામની મુસ્લિમ દીકરી તથા ભાલોદ તરસાલી ગામની મુસ્લિમ દીકરી અને બંબાખાના અલીસ જીનની દીકરી, નિકોરા ગામની મુસ્લિમ દીકરી અન્ય ધર્મના વિધર્મી નવયુવાનો દ્વારા આ દીકરીઓને પટાવી ફોસલાવીને ગેરકાયદેસર રીતે ભગાડી જવાના બનાવો બનેલા છે.
આ દીકરીઓના માતાપિતાઓએ અલગ અલગ પોલીસ સ્ટેશનઓમાં ફરિયાદો દાખલ કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી અન્ય ભગાડી જનાર નવયુવાનો સામે થઇ નથી સાથે જ ઉલ્લેખ કર્યો હતો કે જો કોઈ અન્ય ધર્મની છોકરી મુસ્લિમ યુવાન સાથે ભાગી જાય તો પોલીસને મામલાઓમાં તમામ કલમો યાદ આવી જતી હોય છે, પરંતુ મુસ્લિમ દીકરીઓના તપાસ મામલે પોલીસ ઢીલાશ દાખવતી હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા.
વધુમાં આવેદન પત્રમાં ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો સમગ્ર મામલઓમાં તંત્ર તરફથી કોઈ યોગ્ય તપાસ નહીં થાય અને પીડિત પરિવારોને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ગાંધી ચિધ્યા માર્ગે મુસ્લિમ સમાજ ગુજરાત વિધાનસભા અને દિલ્હી ખાતે આંદોલન કરશે તેમ જણાવવામાં આવ્યું હતું.