ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અંભેટા ગામ ખાઈ આવેલ સ્ટર્લીંગ કંપનીમાં ગત તારીખ 8 જુલાઈના રાત્રીના સમયે ગેસ ગળતર થવાથી ગ્રામજનો ભયભીત થઈ કંપનીમાં રજુઆત માટે પહોંચ્યા હતા, ત્યાં પહોંચી કંપની ઉપર હાજર અધિકારી સાથે વાત કરતા હતા તે દરમ્યાન અલગ અલગ ધડાકાઓ થવાથી ગ્રામજનો દૂર નીકળી ગયા હતા.
જેના થોડા સમય બાદ કંપની સત્તાધીશો દ્વારા ગ્રામજનોને બસ મારફતે દૂર મોકલવા માટેના સૂચનો કરવામાં આવ્યા હતા પરંતુ તેનું અમલ કરવામાં આવ્યું ન હતું એ દરમ્યાન કંપનીમાં કામ કરતા કર્મચારીઓ ગેસ લાગવાથી સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવા માટે કંપનીને એમ્બ્યુલસ હોવા છતાં તેનો ઉપયોગ કરવા વિલંબ થયો હતો, ઘટના દરમ્યાન કંપની પાસે કોઈ સુરક્ષાના સાધનો ન હોવાથી ગ્રામજનો દ્વારા રેતી નાંખી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
ગેસ ગળતરની ઘટના અંગેની રજુઆત ગ્રામજનો દ્વારા કરાઈ ત્યારે તેને ગંભીરતાથી લીધી હોત તો આ દુર્ઘટના રોકી શકાય હોત તે પ્રકારના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા તેમજ કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા, સુરેશ ભાઈ પરમાર, શેરખાન પઠાણ અને દિનેશભાઇ અડવાણીની આગેવાનીમાં આજરોજ ગ્રામજનોએ ભેગા મળી જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર પાઠવી બેદરકારી દાખવનાર કંપની સામે કાર્યવાહી કરવા માંગ ઉચ્ચારમાં આવી હતી.