ભરૂચ જિલ્લામાં નશાનો વેપલો કરતા તત્વો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે, આ પ્રકારના તત્વોની શાન ઠેકાણે લાવવા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ મથકના કર્મીઓ સતત બુટલેગરોના નાપાક મનસુબાઓ ઉપર પાણી ફેરવી રહ્યા છે, તેવામાં નેત્રંગ પોલીસે નશાનો વેપલો જિલ્લામાં ઠાલવાય પહેલા જ લાખોના મુદ્દામાલ સાથે પાંચ ઈસમોની ધરપકડ કરી છે.
ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે સ્થાનિક પોલીસના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન બાતમીના આધારે નેત્રંગ ચાર રસ્તા વિસ્તારમાં એક ફોર વ્હીલ કાર નંબર GJ, 15,CH 8415 ને રોકી તેમાં તલાસી લેતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, તો બીજી તરફ ડેડીયાપાડાથી નેત્રંગ તરફ આવી રહેલા સ્કોડા કાર નંબર MH-04-EH 5150 ને થવા ચેક પોસ્ટ ઉપર રોકી તેની તલાસી લેતા ભારતીય બનાવટની નાની મોટી દારૂની બોટલ તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા.
નેત્રંગ પોલીસે મામલે (1) મિતેષ ઉર્ફે કાલુ ઈશ્વરભાઈ વસાવા રહે, નાના કરાળા,શિનોર વડોદરા (2) માસુમ ઉર્ફે બિલ્લો વસાયા રહે, ખોજા સોસાયટી વલસાડ (3) આસીફ ઉર્ફે કોન્ડુ લાખાણી રહે, ખોજા સોસાયટી વલસાડ તેમજ અન્ય કારમાંથી ઝડપાયેલ દારૂમાં (4) પિયુષ દિલીપભાઈ શિવલાલજી રહે, ઉદયપુર રાજેસ્થાન (5) પરમજીત સિંઘ રાઠોડ રહે, શ્રી નાથ કોલોની ઉદયપુર, રાજેસ્થાન નાઓને ઝડપી પાડ્યા હતા તેમજ મામલે દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર ઈસમોને વોન્ટેડ જાહેર કરાયા હતા.
નેત્રંગ પોલીસ દ્વારા ઝડપાયેલ ઈસમો પાસેથી વિદેશી શરાબનો જથ્થો સહિત ફોર વ્હીલ ગાડીઓ મળી કુલ 37,74,720 નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા નશાનો વેપલો કરતા તત્વોમાં ભારે ખળભળાટ મચ્યો છે.