ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ખાસ કરી ઔધોગિક જીઆઈડીસી વિસ્તારમાં અવારનવાર આગ લાગવાની બાબતો સામે આવી રહી છે, તેવામાં વધુ એક ઘટના દહેજ જીઆઈડીસી માંથી સામે આવી છે.
વાગરા તાલુકાના દહેજ સ્થિત જીઆઈડીસી વિસ્તારમાં આવેલ લુના કેમિકલ કંપનીમાં આજે બપોરના સમયે અચાનક આગ ભભુકી ઉઠી હતી, આગ લાગ્યા બાદ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા, અચાનક બનેલ ઘટનાના પગલે હાજર સ્ટાફના કર્મીઓ સહિત સ્થળ પર ઉપસ્થિત લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
લુના કેમિકલ કંપનીમાં આગ લાગી હોવાની માહિતી ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના કર્મીઓએ તાત્કાલિક પોતાના લાયબંબાઓ સાથે સ્થળ ઉપર પહોંચી ગયા હતા તેમજ લાગેલ આગની જવાળાઓ ઉપર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા, હાલ આ આગ ક્યાં કારણોસર લાગી છે તે બાબત સ્પષ્ટ થઈ શકી નથી જોકે આગના પગલે કંપની પ્લાન્ટમાં નુકશાની થઈ હોવાનું અંદાજ લગાવવામાં આવી રહ્યું છે.