સૌજન્ય-વાગરા તાલુકાના અટાલી ગામે રહેતાં અેક શખ્સને ત્યાં દહેજ પોલીસે દરોડો પાડી અેક રૂમમાંથી 85 હજારથી વધુની મત્તાના વિવિધ કેમિકલ ભરેલાં કારબા તેમજ ડ્રમ જપ્ત કર્યાં હતાં. શખ્સ પાસે કેમિકલના જથ્થા અંગેના કોઇ દસ્તાવેજ નહીં મળતાં પોલીસે પ્રાથમિક તબક્કે શંકાના અાધારે 41(1)ડી મુજબ મુદ્દામાલ જપ્ત કરી શખ્સ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, દહેજ પોલીસ સ્ટેશનના પીઅેસઅાઇ અેસ. અેન. પાટીલને ચોક્કસ બાતમી મળી હતી કે, અટાલી ગામે રહેતાં ઇનદ્રજીત ઉર્ફે ઇન્દ્રો જયસિંહ ચાવડાઅે ગેરકાયદે રીતે કેમિકલનો જથ્થો અેકત્ર કર્યો છે. જેના પગલે તેમણે તેમની ટીમ સાથે તાત્કાલિક અટાલી ગામે દરોડો પાડી ઇન્દ્રજીતના ઘરમા અોફિસની અાજુબાજુ બનાવેલાં રૂમમાં કેટલાંક કેરબા તેમજ ડ્રમ કેમિકલથી ભરેલાં મળી અાવ્યાં હતાં. તેમણે તેની પાસેના કેમિકલના જથ્થા બાબતે કોઇ દસ્તાવેજી પુરવા છે કે કેમ તેની પુછપરછ કરતાં કોઇ પુરાવા મળ્યાં ન હતાં. જેના પગલે પોલીસે સ્થળ પરથી 4 બેરલમાં 60 હજારની મત્તાનું 800 લીટર ફિનોલ કેમિકલ, તેમજ અેક બેરલ તેમજ બે કારબામાં કુલ 25 હજારની મત્તાનું 250 લીટર ડીઅોપી કેમિકલ ભરેલું મળી અાવ્યું હતું. પોલીસે કેમિકલનો જથ્થો તેમજ અન્ય કારબાર, ડ્રમ, કેમિકલ કાઢવાની પાઇપ, ગળણી, સહિતનો સામાન મળી કુલ 93 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં તેણે વડોદરાના ભરત ચાવડા, કનુ ભરવાડ તેમજ અારીફ નામના શખ્સોઅે તેના ત્યાં કેમિકલનો જથ્થો મુકી ગયાં હોવાનું જણાવ્યું હતું. પોલીસે પ્રાથમિક તબક્કે 41(1)ડી મુજબ તમામ મુદ્દામાલ જપ્ત કરી અાગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.