ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની અનેકો ઘટનાઓ સામે આવી ચુકી છે, આગ લાગવાના બનાવો ખાસ કરી ઉધોગોમાં બની રહ્યા છે, અંકલેશ્વર પંથકમાં છાશવારે ઉધોગો અને ગોડાઉનોમાં ભીષણ આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે જેને પગલે લોકોના જીવ ટાળવે ચોંટી જતા હોય છે તેવામાં વધુ એક ઘટના આજે સવારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર માંથી સામે આવી હતી જેમાં એક ખાનગી કંપની સળગી ઉઠતા દોડધામ મચી હતી.
અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કાકડિયા કેમિકલ કંપનીમાં અચાનક બ્લાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી, આગમાં સલ્ફયુરિક એસિડના ડ્રમ ફાટતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં નજરે પડ્યા હતા, એસિડના ધુમાડાના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી.
જોત જોતામાં આગે વિકરાણ સ્વરૂપ ધારણ કર્યું હતું જે બાદ ઉપસ્થિત લોકોને સલામત સ્થળે ખસવા માટે મજબુર બનવું પડ્યું હતું, ઘટના અંગેની જાણ અંકલેશ્વર ડીપીએમસી ના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના જવાનોએ લાયબંબાઓ સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા તેમજ ભડકે બળતી કંપની ઉપર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા માટેની જહેમત ઉઠાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રહેણાંક વિસ્તાર અને મુખ્ય માર્ગ નજીક જ આ પ્રકારે ભીષણ આગ લાગતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો, સલ્ફ્યુરિક એસિડના ડ્રમ ફાટવાના કારણે લોકોને શ્વાશ લેવામાં પણ તકલીફો ઉભી થઈ હતી જોકે આગ ઉપર મહદઅંશે કાબુ મેળવવામાં આવતા ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો.