ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કોરોના મહામારી બાદથી બોગસ તબીબો સામે તવાઈ બોલાવી છે, જિલ્લામાંથી અનેક બોગસ તબીબોને ઝડપી પાડી મુન્ના ભાઈ એમ.બી.બી.એસ બનેલા તત્વોને કાયદાના પાઠ ભણાવ્યા છે, તેવામાં વધુ 7 જેટલાં બોગસ ડોકટરોની પોલીસ વિભાગે ધરપકડ કરી છે, જેમાં ખાસ કરી ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય જેવા હોદ્દા પર રહેલા અને ખત્રી સમાજમાં પણ હોદ્દેદાર રહેલ મનોજ વખારીયા બોગસ તબીબ નીકળતા ભારે ચકચાર મચ્યો છે.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારના શુભ લક્ષ્મી બંગ્લોઝમાં રહેતા અને ભરૂચ શહેર ભાજપમાં સક્રિય એવા મનોજ વખારીયા એ છેલ્લા કેટલાય વર્ષથી સંજય દત્ત જેવી MBBS ની નકલી છાપ વિસ્તાર ઉભી કરી સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા છે, પોતે એક સારા ડોક્ટર હોય અને બધા જ અનુભવો પ્રાપ્ત કર્યા હોય તેમ તેઓ શહેરમાં ફરતા હતા, જોકે ભારતીય જનતા પાર્ટીના આ નકલી મુન્ના ભાઈની પોલ ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ખોલી નાંખી તેને જેલના સળીયા ગણતો કર્યો છે.
મનોજ વખારીયા ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા કેટલાય વખતોથી સક્રિય છે, જિલ્લાના આગેવાનો પણ મનોજ વખારીયાથી વાકેફ હશે અને તેઓ ડોક્ટર છે તેમ પૂર્વ પાલિકા પ્રમુખ પણ જાણતા હશે સાથે જ ભરૂચ પાલિકાના વોર્ડ નંબર 7 માં મનોજ વખારીયા ભાજપના સક્રિય કાર્યકર છે, છતાં આ પ્રકારે જનતાના સ્વાસ્થ્યનો દુશમન બની મનોજ ભાજપમાં ક્યા પ્રકારની સમાજ સેવા કરતો હતો તે બાબત હાલ પોલીસ કાર્યવાહી બાદથી લોકોમાં ચર્ચાઈ રહી છે.
પૂર્વ પાલિકા પ્રમુખના વોર્ડમાંથી આવતો મનોજ બોગસ ડૉક્ટર હતો શું એ બાબતની જાણ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ને હતી..? મનોજ એક સમાજનો હોદ્દેદાર છતાં આ પ્રકારે સામાન્ય જનતાના જીવ સાથે બિન્દાસ ખિલવાડ કરતો રહ્યો તેનું કારણ શું રાજકીય પીઠબણ હતું..? શું મનોજ જેવા બોગસ ડોક્ટરના કારનામા સામે આવ્યા બાદ પણ ભાજપ આવા હોદ્દેદારો -સભ્યને પાર્ટીમાં રાખી ભવિષ્યમાં પણ પીઠબળ પૂરું પાડશે..? તેવા અનેક સવાલો વર્ષોથી બોગસ તબીબ બની ફરતા મનોજ વખારીયાના કારનામાઓ ખુલ્લા પડ્યા બાદથી લોકોમાં ચર્ચાસ્પદ બન્યા છે.