ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી સંદીપ માંગરોલા એ એક પ્રેસનોટ દ્વારા ભરૂચને અન્યાય થયો હોવાનો ગંભીર આરોપ ભારતીય જનતા પાર્ટી ઉપર લગાવ્યો છે.
ગઇકાલે કેબિનેટમાં ગુજરાત સરકારે પાંચ નાના શહેરોને કોર્પોરેશનનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. જેમાં ભરૂચનો સમાવેશ ન થતાં ભરૂચ સાથે અન્યાય થયો છે. ભાજપના નેતાઓ દ્વારા ભરૂચ-અંકલેશ્વર ટવીન સિટી બનાવવાના સપનાઓ બતાવી મતો મેળવી અને ભરૂચને કોર્પોરેશનનો દરજ્જો અપાવવામાં વામણા પુરવાર થયા છે. ભરૂચથી નાના શહેરોને પણ કોર્પોરેશનનો દરજ્જો મળી ગયો છે. જયારે ભરૂચ ત્યાનું ત્યાં જ છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા એ ભરૂચની જનતાને અવાજ બુલંદ કરવાનું આહ્વાન કરી જન આંદોલન ઊભું કરવાની હાંકલ કરી છે અને જનતાના સહકારથી જન આંદોલનનું નેતૃત્વ કોંગ્રેસ પાર્ટી જરૂર કરશે તેમ જણાવી આગામી દિવસોમાં સોશિયલ મીડિયા, ઈમેલ તેમજ પોસ્ટ કાર્ડ દ્વારા જન આંદોલન ઊભું કરી જનજાગૃતિ લાવી ભરૂચને કોર્પોરેશનનો દરજ્જો અપાવવાની માંગણી સરકાર સામે કરશે. ભરૂચના વિકાસનું સપનું જોતાં તમામ સંગઠનો એ આ મુદ્દા પર એકમત થઈ આગળ આવવા માટે પણ સંદીપ માંગરોલા એ અપીલ કરી છે.