ભરૂચના ઝનોર-નબીપુર રોડ પર શુક્રવારે બપોરે કારમાં પસાર થઇ રહેલાં અમદાવાદના સોનીને આંતરી બંદુક તથા ચપ્પુની અણીએ 2 કિલો સોનું તથા રોકડ મળી 1 કરોડની લૂંટ ચલાવી બે કારમાં આવેલાં 6 લૂંટારૂ ફરાર થઇ ગયાં હતાં. લૂંટને પગલે ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં નાકાબંધી કરી દેવાઇ હતી. શિનોર નજીકથી એક કાર સહીત 3 લૂંટારૂ ઝડપી પાડ્યા હતા. આરોપી નર્મદાના અંતરિયાળ ગામડામાં છુપાયા હોવાની શંકાને પગલે પોલીસની 15 ટીમો ગામડાં ખુંદી રહી છે. ઝડપાયેલાં પૈકી એક મહારાષ્ટ્રના નાસિકનો અને એક મહેસાણાના વિસનગરના ભાંડુ ગામનો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના માણેકચોક રહેતાં મુકેશ ત્રિલોકચંદ સોની ભરૂચ તેમજ આસપાસ જ્વેલર્સની દુકાનોમાં સોનાના દાગીના આપવા આવતાં હોય છે.
ગઇકાલે તેઓ કારીગર સાથે દહેજ પહોંચ્યાં હતાં. જ્યાં જોલવાના જ્વેલર્સને દાગીના આપ્યાં બાદ રોકાઇ ગયાં હતાં. શુક્રવારે ભરૂચના સામલોદના જ્વેલર્સ પાસે જવા નિકળ્યાં હતાં. તેઓ બંબુસરથી આગળ પસાર થતાં બપોરે 3 વાગ્યે એક કારે તેમની આગળ આવી બ્રેક મારતાં તેમની કાર ભટકાઇ હતી. તરત પાછળ અન્ય કાર આવીને ઉભી હતી.
તેમાંથી 4 થી 5 શખ્સે પિસ્તોલ-ચપ્પુ સાથે આવી ધમકાવી કારીગર પાસેથી 180 તોલા સોનું તેમજ 3 થી 4 લાખ રોકડની લૂંટ કરી ઝનોર તરફ ભાગી ગયાં હતાં. લૂંટને પગલે 3 જિલ્લામાં નાકાબંધી કરી દેવાઇ હતી. શિનોર પોલીસે એક કારનો પીછો કરી 3 લૂંટારૂઓને ઝડપી લીધા હતા. જેમાં 3 લૂંટારૂ પૈકી બે મહારાષ્ટ્રના નાસિકના જયારે એક વિસનગરનો છે.
પકડાયેલા 3 પૈકી 2 નાસીક, 1 વિસનગરના ભાંડુનો
ઝડપાયેલાં આરોપીઓ
– સંદિપ બાબુભાઇ પટેલ, રહે. ભાંડુ, જિ. મહેસાણા
– કરણ ભાવેશ પટેલ, રહે. નાસિક, મહારાષ્ટ્ર
– પ્રવિણ દીલીપ વાઘ, રહે. નાસિક, મહારાષ્ટ્ર
લૂંટ પૂર્વઆયોજિત કાવતરૂં હોવાની શક્યતા
ફરિયાદીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન થયું
ભરૂચમાં પૂર્વ આયોજિત લૂંટને અંજામ અપાયો હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે. દહેજથી સામલોદ જતાં સોનીને આંતરવા માટે બંબુસર ગામ પાસેનો એકાંતવાળો વિસ્તાર પસંદ કરાયો, એક કાર આગળ અને એક પાછળ આવી હતી. ઘટના બાદ લૂંટારૂઓના સગડ મેળવવા તેમજ તેઓએ તેમનો પિછો કર્યો હતો કે કેમ તેની વિગતો મેળવવા પોલીસની ટીમે ફરિયાદીને સાથે રાખી રૂટનું રિકન્સ્ટ્રક્શન કરી સીસીટીવી ફૂટેજ મેળવવા કવાયત કરી છે. આરોપીઓના વાહનો પિછો કરતાં હતાં કે કેમ તેની વિગતો મેળવાઇ રહી છે.
અમદાવાદના રાજુ મારવાડીનું નામ ખુલ્યું એક કરોડની લૂંટમાં 6 ની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. લૂંટના ગુનામાં રાજુ મારવાડી નામના અમદાવાદના ઇસમનું નામ ખુલ્યું છે. રાજુ મારવાડી અમદાવાદનો હોવાથી તેને આ જવેલર વિશે જાણકારી હોવાથી તેને લૂંટવાનું નકકી કરાયું હોવાનું ચર્ચાયું છે, જોકે સત્તાવાર માહિતી નથી.
જ્વેલરનો ફોન- કારની ચાવી પણ લઇ ગયાં
લૂંટારૂઓએ ભાગતી વેળાં તેમના બે ફોન લૂંટી ગયાં હતાં. ઉપરાંત તેમની કારની ચાવી પણ લઇ ગયાં હતાં. જેથી તેઓ તુરંત કોઇને જાણ ન કરી શકે તેમજ તેઓ તેમનો પિછો પણ ન કરી શકે. જોકે, ઘટનાના પાંચેક કલાકમાં જ ત્રણ આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયાં હતાં.
સોનીએ પહેલેથી જ તે આવવાના હોવાનો મેસેજ કરી દીધો હતો
સુત્રો અનુસાર મુકેશ સોની હોલસેલ સોનાના વેપારી છે. તેઓ વેપારીઓ પાસે નવી ડિઝાઇનના ઘરેણાં લઇને આવતાં હોય છે. તેઓ મહિનામાં એકવાર દરેક સોનીને ત્યાં મુલાકાત લેતાં હતાં. તેમણે ગુરૂ-શુક્રવારે આવવાના હોવાનો પહેલેથી જ મેસેજ કર્યો હતો.