ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત રૂચિકા કંપનીમાં વહેલી પરોઢે કોઈ અગમ્ય કારણોસર ભીષણ આગ ભભુકી ઉઠતા અફરાતફરી સાથે ભારે દોડધામ મચી જવા પામી હતી. આગના પગલે ધુમાડાના ગોટેગોટા ઉંચે આકાશ તરફ ઉઠતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આગની જાણ ફાયર વિભાગને કરાતા ભરૂચ, વડોદરા, ઝનોર, અંકલેશ્વર, કરજણ, પાનોલીના દસ જેટલા ફાયર ટેન્કર ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
ફાયર કર્મીઓએ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ લાગેલી આગ સવારે નવ વાગ્યે કાબૂમાં આવી હતી. સદનસીબે જાનહાની ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. લાગેલી આગ બાજુમાં આવેલા એક શેડમાં પ્રસરતા ત્યાં પણ નુકસાન થવા પામ્યું હતું. ભીષણ આગના પગલે લાખો રૂપિયાના નુકસાનની આશંકા સેવાઇ રહી છે.
Advertisement