ભરૂચ અને અંકલેશ્વરના માર્ગ જોડતા જુના નેશનલ હાઈવે ઉપર ગત રાત્રિના એક તુફાન કાર ચાલકે પોતાની ગાડીની બ્રેક ફેઇલ થઈ જતાં રોડની સાઈડમાં ઝાડ સાથે ગાડી અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાડીમાં બેઠેલા એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ભરૂચ અને અંકલેશ્વરને જોડતો જૂનો નેશનલ હાઈવે નંબર 8 જાણે અકસ્માત ઝોન બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. ગઈકાલે શુક્રવારે ત્રણ એસટી બસોના અકસ્માત બાદ ગતરોજ રાત્રિના 12 વાગ્યાના આસપાસ ભૂતમામાની ડેરી નજીક એક તુફાન કાર ચાલક અંકલેશ્વરથી ભરૂચ તરફ આવી રહ્યો હતો. તે સમય દરમિયાન તેની ગાડીની બ્રેક ફેઈલ થઈ જવાના કારણે તેણે તુફાન ગાડીને રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાવી દેતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાડીમાં બેઠેલા બે વ્યક્તિમાંથી એકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા ત્યાંથી પસાર થતાં લોકોએ દોડી આવી 108 એમબ્યુલન્સ સેવા દ્વારા ઈજાગ્રસ્તને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. બનાવની જાણ અંકલેશ્વર શહેર પોલીસ મથકે કરવામાં આવતા તેઓ પણ દોડી આવી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.