ભરૂચ જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો દિન પ્રતિદિન નોંધાઈ રહ્યો છે, ખાસ કરી જિલ્લાના હાઇવે વિસ્તારમાં અકસ્માતનો સીલસીલો યથાવત છે, કેટલાય બનાવોમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે તો કેટલાક બનાવોમાં જીવ ગુમાવી રહ્યા છે, તેવામાં વધુ એક ઘટના આજે સવારે નર્મદા મૈયા બ્રિજ પરથી સામે આવી છે.
ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર આજે સવારના સમયે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટની લક્ઝરી બસના ચાલકે અચાનક કાબુ ગુમાવતા ત્રણથી ચાર વાહનોને નુકશાન થયું હતું સાથે જ લક્ઝરી બસ બ્રિજના ડીવાઇડરમાં ઘુસી હતી, જોકે સદનસીબે સમગ્ર ઘટના ક્રમમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ – અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજના નિર્માણ બાદથી ભારદાર વાહનોને પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો જોકે હવે તે પ્રતિબંધમાં ઢીલાસ મુકવામાં આવતા ભારદાર વાહનો બ્રિજ ઉપર પૂર ઝડપે અને ગફલતભરી રીતે પસાર થઈ રહ્યા છે જેને પગલે બ્રિજ પર અકસ્માતની ઘટનાઓમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે.