ભરૂચ શહેરની વધતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂપાણી સરકારે મહાત્મા ગાંધી રોડ ઉપર સેન્ટ ઝેવીયર્સ સ્કૂલથી મહંમદપુરા સર્કલ સુધી પહેલો ટ્રાયએન્ગલ (ત્રિપાંખ્યો) ૧૫૩૦ મીટર લાંબો અને ૮.૪૦ મીટર પોહળો ફ્લાયઓવર રૂ.૪૧ કરોડના ખર્ચે મંજુર કર્યો હતો. તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ નગરમાં ફલાય ઓવરબ્રીજના નિર્માણ માટે રૂ.૪૧ કરોડની દરખાસ્તને જુન ૨૦૨૧માં મંજૂરી આપી હતી.
રાજ્યના નગરો-મહાનગરોમાં ફલાય ઓવર, રેલ્વે ઓવરબ્રીજ, અંડરબ્રીજના નિર્માણથી વાહન વ્યવહાર સરળ બનાવવા અને ટ્રાફિકજામની સમસ્યા હલ કરવા સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આવા કામોને મંજૂરી આપવાનો અભિગમ અપનાવાયો હતો.
ભરૂચ નગરમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી મહમંદપૂરા સર્કલ ફલાય ઓવરબ્રીજના કામ માટે રૂ.૪૧ કરોડ મંજૂર કર્યા હતા. જોકે ૨ વર્ષમાં ફલાયઓવરની શરૂઆત પહેલા જ કિંમત ૨૦ કરોડ વધારી ખર્ચ રૂ.૬૧.૮૯ કરોડ કરાયો છે. આ ફલાય ઓવર ૧૫૩૦ મીટર લંબાઈ અને ૮.૪૦ મીટર પહોળાઈ ધરાવતો હશે.
ભરૂચમાં આ ફલાય ઓવરબ્રીજ બનવાથી દહેગામ અને દહેજ તરફથી આવતા અને ભરૂચ રેલ્વે સ્ટેશન જનારા લોકો માટે અનૂકુળતા રહેશે. આ બ્રીજની ડિઝાઈન ત્રિ-પાંખીયા ટ્રાયેન્ગ્યુલર હોવાથી તાંત્રિક અને ભૌગોલિક દ્રષ્ટિએ ભરૂચ નગરપાલિકાના અગત્યના તમામ વિસ્તારો આ બ્રીજની કામગીરીથી આવરી લેવાશે. ભરૂચ ડિસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટ તુષાર સુમેરા દ્વારા બ્રિજ નિર્માણની કામગીરીને લઈ ૧૪ મે ૨૦૨૫ સુધી આ માર્ગ વાહન વ્યવહાર માટે બંધનું જાહેરનામું બહાર પડાયું છે.
મધ્યથી પશ્ચિમ ભરૂચને જોડતો અને શહેરની ચારેય દિશામાં જવા આવવાનો માર્ગ ૨૪ મહિના માટે બંધ થતાં તેના વિકલ્પરૂપે ૭ રૂટ ડાયવર્ઝનના નક્કી કરાયા છે. જોકે બે વર્ષમાં મોંઘવારી આ બ્રિજને પણ નિર્માણ પહેલા જ નડી ગઈ છે અને તેની અંદાજીત કિંમત ૪૧ થી રૂ.૬૧.૮૯ કરોડ કરી દેવાઈ છે.
ભરૂચમાં હવે ભવિષ્યમાં નર્મદા નદી ઉપર ૯ મેજર બ્રિજ જેમાં જૂનો-નવો સરદાર બ્રિજ, સિલ્વર રેલવે બ્રિજ, નર્મદા મૈયા ૪ લેન બ્રિજ, કેબલ બ્રિજ, ૮ લેન એક્સ્ટ્રા ડોઝ એક્સપ્રેસ વે બ્રિજ, DFC રેલવે બ્રિજ, બુલેટ ટ્રેન બ્રિજ અને ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ અસ્તિત્વમાં રહેશે. જ્યારે શહેરમાં ફ્લાયઓવરમાં નંદેલાવ, જંબુસર બાયપાસ, ભૃગુઋષિ, શ્રવણ ચોકડી અને MG રોડ ટ્રાયએન્ગલ ફ્લાયઓવર હશે.
ટ્રાઈ એન્ગલ બ્રિજની કામગીરીનું કાઉન્ટ ડાઉન શરૂ થવા જઈ રહ્યું છે, તંત્ર દ્વારા બ્રિજના નિર્માણ માટે ગમ્મે ત્યારે હવે ડાયવર્જન આપી મુખ્ય માર્ગ મધ્યથી પશ્ચિમને જોડતા માર્ગને બંધ કરવામાં આવી શકે છે તેમ કહેવાઈ રહ્યું છે, હાલ ગુરુવાર એટલે કે આવતી કાલથી આ કામગીરીનો પ્રારંભ થઈ શકે છે તેમ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.