આજરોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ નો શુભારંભ થયો છે. આ શ્રેણીમાં ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જંબુસર તાલુકાના કાવી ગામમાં સમાવિસ્ટ નવી વસાહત પ્રાથમિક મિશ્રશાળામાં ખાતેથી ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ના શુભારંભ પ્રસંગે કલેક્ટર તુષાર સુમેરાએ ભૂલકાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, જીવન ઘડતર માટે શાળા પાયાનો એકમ છે. આજનો દિવસ શાળામાં આવતા ભૂલકાંઓ માટે સૌથી મહત્વને દીવસ છે પરંતુ એથી પણ વિશેષ શિક્ષકો માટે છે. સરકારની નેમને ખરાં અર્થમાં સાર્થક કરવા ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ભાર મૂકવા અનુરોધ કર્યો હતો. અને કારકિર્દીના શરૂઆતના દિવસોમાં વિદ્યા સહાયક તરીકેના પોતાના સંસ્મણો વાગોળ્યા હતા.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓમાં આજે પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા બાળકોને આંગણવાડી, બાલવાટિકા અને શાળામાં પ્રવેશ અપાવી પ્રોત્સાહિત કરાશે. ૧૮મા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ભરૂચ જિલ્લામાં કુલ ૧૦૬૧૦ જેટલા બાળકો પ્રવેશ મેળવશે તેમ જણાવી કલેકટરએ પ્રવેશ મેળવનાર બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે, કે મહાનુભાવોના વરદ હસ્તે કીટ આપી ઉત્સાહ સાથે બાળકોને આવકારવામાં આવ્યા હતા. શાળા પ્રવેશોત્સવ દરમિયાન કલેક્ટરશ્રી તુષાર સુમેરાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા કલેકટરએ એસ.એમ.સીના સભ્યો સાથે બેઠક કરી કામગીરી બાબતે સમીક્ષા કરી હતી. નવી વસાહત પ્રાથમિક મિશ્રશાળામાં કાવી કુમાર અને કન્યા પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં -૦૮ બાળકો, બાલવાટિકામાં -૧૬ અને ધો-૧ માં – ૯ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો.
આ પ્રસંગે પ્રાંત અધિકારી એમ. બી. પટેલ, મુખ્ય સેવિકા પ્રિયંકા મહેતા, સંકલન સી.આર.સીશ્રી, ગામના સરપંચશ્રી, આચાર્યશ્રી અને શિક્ષક સહિતના લોકો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.