સરકાર દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ નગરપાલિકાના “જન સેવા કેન્દ્ર” સહિત રાજ્યના ૨૨ જેટલા “જન સુવિધા કેન્દ્ર” નું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા બનાસકાંઠાના પાલનપુર ખાતેથી ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જન સુવિધા કેન્દ્રનું લાલ રીબીન કાપીને જનહિત માટે ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે,રાજ્ય સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. જે સુવિધાઓ અત્યાર સુધીમાં મહાનગરપલિકાઓમાં મળતી હતી તે હવે લોક લાગણીને ધ્યાનમાં રાખીને હવેથી નગરપાલિકાઓમાં પણ મળતી થઈ જશે. જે બદલ ધારાસભ્ય એ રાજ્ય સરકારનો ભરૂચના લોકો વતી આભાર વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ૦૮ મહાનગરપાલિકાઓમાં શહેરીજનોની સુવિધા માટે જન સુવિધા કેન્દ્રની સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ રાજ્યની ૧૫૭ નગરપાલિકાઓમાં પણ આવી સુવિધાઓની તાતી જરૂરિયાતને અનુલક્ષીને નગરપાલિકા વિસ્તારના રહેવાસીઓની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકા વિસ્તારોમાં ‘જન સુવિધા કેન્દ્ર’ ની સ્થાપના કરવામાં આવી છે. તમામ મ્યુનિસિપલ સેવાઓ એક જ જગ્યાએથી નાગરિકો માટે ઉપલબ્ધ થાય તેવા આશયથી રાજ્યમાં આજે વિવિધ સ્થળોએ ૨૨ જેટલા સિટી સિવિક સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.
‘જન સુવિધા કેન્દ્ર’માં મિલકત વેરાનું ચુકવણું, મિલકત વેરાની આકારણી, મિલકત વેરાની રસીદ, વ્યવસાય વેરો, વ્યવસાય નોંધણી પ્રમાણપત્ર, વ્યવસાય કર્મચારી નોંધણી પ્રમાણપત્ર, જન્મ/મરણ પ્રમાણપત્ર, પાણી/ગટર જોડાણની અરજી, હોલ બુકિંગ, ફરિયાદ નોંધણી, બાંધકામની રજાચિઠ્ઠી, ફાયર એન.ઓ.સી અરજી, ગુમાસ્તાધારા નોંધણી, ગુમાસ્તાધારા પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર જેવી નગરપાલિકાઓ દ્વારા આપવામાં આવતી સેવાઓ વિવિધ સિટી સિવિક સેન્ટરમાં ઓનલાઈન તેમજ રૂબરૂ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આમ, જન સુવિધા કેન્દ્રએ નાગરિકો માટે “વન સ્ટોપ શોપ” તરીકે કામ કરશે. નાગરિકોના વિવિધ પ્રશ્નોના નિરાકરણમાં ન્યૂનતમ સમય થાય તે સુનિશ્ચિત કરવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી વર્ષ ૨૦૨૩-૨૪માં વધુ ૬૬ નગરપાલિકાઓમાં રૂ. ૩૩.૦૦ કરોડના ખર્ચે સીટી સિવિક બનાવવામાં આવશે.
ભરૂચના મકતમપુર ખાતેના સિટી સિવિક સેન્ટરમાં હેલ્પ ડેસ્ક, LED ડિસ્પ્લે સાથે ટોકન નંબર સિસ્ટમની સુવિધા તેમજ બેઠક વ્યવસ્થા, ફાયર સેફ્ટી આ તમામ સુવિધાનો નાગરિકો લાભ લઈ શકશે. શહેરી વિસ્તારોમાં, શહેરની વસ્તીની માંગને પહોંચી વળવા સંબંધિત શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને તેનું સંચાલન કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિત નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સહિત સૌ નગરજનો ઉપસ્થિત રહી મુખ્યમંત્રીના વર્ચ્યુઅલ કાર્યક્રમને નિહાળ્યો હતો.