ભરૂચ શહેરની મધ્યમાં આવેલ પાંચબત્તી વિસ્તારમાં થોડા સમય અગાઉ જ પેવર બ્લોક નાંખવાની કામગીરીનો પ્રારંભ થયો હતો, કેટલાય દિવસો સુધી કામગીરીને પગલે પાંચબત્તીથી શક્તિનાથ તરફ જતા માર્ગને સિંગલ ટ્રેક સાથે બંધ પણ કરવામાં આવ્યો હતો. બ્લોકની કામગીરી સારી અને સફળતા પૂર્વક થાય માટે સ્થાનિક વેપારીઓએ પણ પોતાના ધંધા રોજગારનું બલિદાન આપ્યું હતું.
હાલ આ કામગીરી પૂર્ણ થયાને માંડ એક સપ્તાહ જેટલો સમય વીત્યો હશે પરંતુ હવે કામગીરી સામે જ સવાલો ઉભા થઈ રહ્યા છે, કરોડોના ખર્ચે નિર્માણ પામેલા પેવર બ્લોકનાં કામમાં હવે ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમો પણ ગણતરીના જ દિવસોમાં સામે આવતી હોવાનું કહેવાય રહ્યું છે.
આજે સેવાશ્રમ માર્ગ ઉપર પેવર બ્લોકના માર્ગ પર ઢાંકવામાં આવેલ ગટરનું ઢાંકણું તોડીને એક મોપેડ સવાર વ્યક્તિ અંદર ખાબકી જતા તેના પગના ભાગે ઈજાઓ પહોંચી હતી, જે બાદ કરોડોના ખર્ચે તદ્દન નવ નિર્માણ પામેલા પેવર બ્લોકના કાર્ય સામે લોકોએ સવાલો ઉભા કર્યા હતા.