Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકાના 3000 થી વધુ વિદ્યાર્થીઓને એસ આર એફ (SRF) ફાઉન્ડેશન દ્વારા “કમ્પ્યુટર એજ્યુકેશન ઓન વ્હીલ્સ” પ્રોજેક્ટ હેઠળ કમ્પ્યુટર અભ્યાસ પૂરો પાડવામાં આવ્યો

Share

આજના ડિજિટલ યુગમાં કમ્પ્યુટર રોજબરોજની જીવનશૈલી સાથે સર્વ પ્રકારે વણાઈ ગયું છે. આજે સમાજના દરેક વર્ગના લોકોને કમ્પ્યુટરના ઉપયોગ વિષે જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે. છેવાડાના માનવીનું સંતાન પણ શિક્ષણ – કેળવણીની મુખ્યધારા સાથે જોડાય તેવા પ્રયાસો સતતપણે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવી રહ્યાં છે. આઝાદીના અમૃત મહોત્સવમાં આજે ઘણી સામાજિક સંસ્થાઓ કેળવણી ક્ષેત્રે અનેકવિધ અમૃતકાર્યો થકી પોતાનું યોગદાન આપીને બાળકોના જીવન ઘડતર અને સર્વાંગી વિકાસના રાજ્ય સરકારના પ્રયાસોને સતત ટેકો આપતી રહે છે. આવી જ એક સંસ્થા છે એસઆરએફ ફાઉન્ડેશન. આધુનિક યુગમાં કમ્પ્યુટરની જરૂરિયાતને ધ્યાનમાં લઇને એસઆરએફ ફાઉન્ડેશન દ્વારા એક નવતર પ્રયોગ રૂપે પ્રોજેકટ “કમ્પ્યુટર એજ્યુકેશન ઓન વહીલ્સ” શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત બસમાં કમ્પ્યુટર્સ, એરકન્ડિશનર, પંખા અને લાઈટ જેવી સુવિધાઓ દ્વારા હરતો ફરતો કમ્પ્યુટર ક્લાસરૂમ બનાવવામાં આવ્યો છે. આ ‘કમ્પ્યુટર બસ’ દ્વારા બાળકો, યુવાનો અને સ્ત્રીવર્ગને ઘર – આંગણે કમ્પ્યુટરના ઉપયોગ વિશે નિઃશુલ્ક શિક્ષણ પૂરું પાડવામાં આવે છે.

“કમ્પ્યુટર એજ્યુકેશન ઓન વહીલ્સ” પ્રોજેકટ અંતર્ગત 11 વર્ષથી વધુ ઉંમરના વિધાર્થીઓ, કદી શાળામાં ભણવા ના જઈ શક્યા હોય એવા બાળકો, યુવા અને સ્ત્રી-વર્ગને કમ્પ્યુટરને લગતું હાર્ડવેર અને સોફ્ટવેરનું જ્ઞાન આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને ત્રણ મહિનાના અભ્યાસક્રમ દરમિયાન માઇક્રોસોફ્ટ ઓફિસ (વર્ડ, પાવર પોઇન્ટ અને એક્સેલ), નેટવર્કિંગ, ઇન્ટરનેટ અને કમ્પ્યુટર હાર્ડવેરનું જરૂરી સામાન્ય જ્ઞાન આપવામાં આવે છે. ત્રણ મહિનાના બેઝિક કોર્સ દરમ્યાન સિદ્ધાંતિક અને વ્યવહારિક (થિયરી અને પ્રેકટીકલ) જ્ઞાન આપવામાં આવે છે. કોર્ષ કાર્ય પુરા થયા પછી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે છે અને ઉત્તીર્ણ થયેલ વિધાર્થીઓને પાસ થયાનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ ક્ષેત્રે આગળ ભણવામાં રસ ધરાવતા વિધાર્થીઓને વધુ જ્ઞાન આપીને તૈયાર કરવામાં આવે છે. ઉત્તીર્ણ થયેલ યુવા વર્ગને કમ્પ્યુટરને લગતી નોકરી મેળવવામાં પણ મદદ કરવામાં આવે છે. 3 મહિનાના સંપૂર્ણ કોર્ષમાં સ્કિલ બેઝ પર માઇક્રોસોફ્ટનો ખૂબ સરસ રીતે ઉપયોગ કરી શકે એ રીતે શિક્ષણ આપવામાં આવે છે.

આ નવતર શિક્ષણ પહેલ અંગે વાત કરતા એસઆરએફ ફાઉન્ડેશન ફાઉન્ડેશનના ટ્રેનર મિનેશ વસાવા જણાવે છે કે, એસઆરએફ ફાઉન્ડેશનનું માનવું છે કે શિક્ષાની ભેટ એ અમુલ્ય ભેટ છે, એ ભેટ કદી વ્યર્થ જતી નથી. આ ભેટને સાર્થક કરતા સંસ્થાએ કમ્પ્યુટર બસની વ્યવસ્થા કરી છે, જે કમ્પ્યુટર અને બીજા અધરા વિષયો ક્ષેત્રે પોતાનું કાર્ય કરે છે. હાલ, નેત્રંગ જેવાં અંતરિયાળ વિસ્તારોમાં બાળકો સહિત યુવા અને સ્ત્રીઓમાં કોમ્પ્યુટર શિક્ષણ અને અન્ય તમામ બાબતો માટે અનુકુળ છે. વધુમાં બસના બધા જ ઉપકરણો સૌર ઉર્જા દ્વારા સંચાલિત હોવાથી કોઈપણ સમયે કે સ્થળે વિદ્યુત ઉપકરણોની જરૂરિયાત વિના શિક્ષણ આપી શકાય છે. બસ પરની 16 સોલાર પેનલ મિકેનિકલ સિસ્ટમની મદદથી ત્રાંસી સેટ કરવામાં આવી છે, જેથી બસ ઉભી રહે પછી રિમોટ અને હાઇડ્રોલિક પમ્પની મદદથી પેનલને ખોલીને મહત્તમ સૂર્યપ્રકાશનો લાભ લઇ શકાય છે. આ સૌર ઉર્જાથી બસમાં લગભગ 6 કલાકનો અભ્યાસ કરાવી શકાય છે. સેલ્ફ સસ્ટેનેબલ એવી આ કમ્પ્યૂટર બસ પર્યાવરણ માટે પણ લાભદાયી છે.

કમ્પ્યુટર બસ દ્વારા શિક્ષણ કેવી રીતે આપવામાં આવે છે અને કેટલા વિદ્યાર્થીઓને આ પહેલ અંતર્ગત ફાયદો મળ્યો છે એ વિશે વાત કરતાં મિનેશ વસાવા જણાવે છે કે, અત્યાર સુધી બસમાં તેમજ બસને શાળામાં લઇ જઈને લગભગ 3000 થી વધુ વિદ્યાર્થીઓને એસઆરએફ ફાઉન્ડેશન હેઠળ કમ્પ્યુટર અભ્યાસ પૂરો પાડવામાં આવ્યો છે. નેત્રંગ તાલુકાના અંતરિયાળન વિસ્તારોમાં પ્રોજેકટ સ્થળ હોય ત્યાં બસ લઈ જઈને દરરોજ સવારે 9 થી સાંજના 6 સુધી એકથી વધુ વિસ્તારના બાળકોને તેમના સ્થળે જઈને શિક્ષણ આપવામાં આવે છે. અંતરિયાળ વિસ્તારમાં સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી કમ્પ્યુટર બસ લગભગ 3 મહિનાના સમયગાળા સુધી સ્ટાફ સહિત જે તે સ્થળ પર જ રહે છે. કમ્પ્યુટર બસમાં સંસ્થાના ટ્રેઈનર અને સ્કૂલના શિક્ષકો પણ કમ્પ્યુટર ટ્રેનિંગ આપતા હોય છે. જ્યાં ગણિત અને વિજ્ઞાન જેવાં વિષયો પણ અહી સ્ટડી કરવામા આવે છે. એક સ્થળે બેચ પુરી થાય બાદ બસ અન્ય સ્થળે પહોંચે છે અને બીજી બેચ શરૂ કરવામાં આવે છે. ભવિષ્યમાં વધુમાં વધુ બાળકોને શૈક્ષણિક તેમજ અન્ય ક્ષેત્રે મદદરૂપ થઇ શકાય તેવો સંસ્થાનો આશય છે.

Advertisement

Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વીજતંત્ર ખોરવાતા કોરોના સહિતનાં વિવિધ રોગોનાં દર્દીઓની હાલત કફોડી.

ProudOfGujarat

ટીબી રોગ નિર્મુલન કરવા ધોળકા તાલુકાનાં ખાનગી તબીબો માટે આરોગ્ય વિભાગ ધ્વારા સી.એમ.ઈ.નું આયોજન કરવામાં આવ્યું…

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સંજાલી ગામે ઉપ સરપંચ તરીકે અનામિકાબેન દેસાઇ નિમાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!