ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં તાજેતરમાં જ ગેંગવોર જેવી ઘટના સામે આવી હતી, જે ઘટનામાં ફાયરિંગ સહિત વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ જિલ્લા પોલીસની ટિમોએ ઘટનામાં સામેલ જયમીન પટેલ સહિતના લોકોની ધરપકડ કરી હતી.
ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં ધોળે દહાડે ફાયરિંગ અને ગેંગવોર જેવી ઘટના બાદ કાયદો અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા હતા જે બાદ હવે ખુદ વડોદરા રેન્જના આઇજી સંદીપસિંહ ભરૂચ જિલ્લાની મુલાકાતે આવતી કાલે આવી રહ્યા છે જેઓ ઝઘડિયા જીઆઈડીસી ના UPL ઓડિટોરીયમ ખાતે લોક દરબારની બેઠક બોલાવી છે. આ લોક દરબારમાં જિલ્લા પોલીસ વડા સહિત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેનાર હોવાનું જાણવા મળ્યું છે.
આ લોક દરબારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, તાજેતરમાં સર્જાયેલ ગેંગવોર જેવી ઘટના સહિત જિલ્લાની જનતાના મનમાં રહેલા પ્રશ્નોના નિરાકરણ માટે મંથન રૂપી ચર્ચાઓ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે, જે લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી અપીલ પણ કરવામાં આવી છે.