ભરૂચ જિલ્લામાં દારૂ -જુગાર જેવી પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સતત વિવિધ સ્થળે દરોડા પાડવામાં આવી રહ્યા છે, જે બાદ કેટલાય બુટલેગરો અને જુગારી તત્વોને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે, તેવામાં વધુ એકવાર ટાંકારીયા વિસ્તારમાંથી પોલીસ દ્વારા લાખોના મુદ્દામાલ સાથે 10 જેટલાં જુગારીઓને ઝડપી પાડ્યા હતા.
પાલેજ પોલીસને મળેલ બાતમીના આધારે ટંકારીયા ઘોડી માર્ગ પાસે આવેલ સબ કેનાલ નજીક ઝાડી ઝાંખારાવાળા બાવળીયાની આડમાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે જે બાદ પોલીસ વિભાગે સ્થળે ઉપર દરોડા પાડ્યા હતા, પોલીસના દરોડાને જોઈ જુગારીઓમાં પણ નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા, જે બાદ પોલીસ દ્વારા 10 જેટલાં જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી.
પાલેજ પોલીસે મામલે (1) સલીમભાઈ ઉર્ફે બિલાલ વલી લાલન (2) મુબારક ઇસ્માઇલ દશુ (3) અબ્દુલ ઉર્ફે પંડ્યા ઘોડીવાલા તમામ રહે ટંકારીયા (4) હિતેશ ભાઈ અંબાલાલ પટેલ રહે, કરજણ (5) સાબિર મહંમદ હુશેન કડીવાલા રહે, સુરત (6) ભરતભાઈ મુક્તિભાઈ શાહ રહે, સુરત (7) પ્રિયાંશભાઈ દિલીપ ભાઈ સોની રહે. વડોદરા (8) રીતેશભાઈ પંકજભાઈ ઠાકોર રહે, ભરૂચ (9) ઝાકીર જમીલભાઈ મુન્શી રહે, દયાદરા તેમજ (10) પ્રવીણચંદ્ર દલસુખભાઈ રાણા રહે, ભરૂચ નાઓની રોકડા રૂપિયા સહિત કુલ 3,92,670 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી અન્ય 8 જેટલાં જુગારીઓને વોન્ટેડ જાહેર કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા જુગારી તત્વોમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
– ટંકારીયા ગામની સીમમાં રાત્રીના અંધારામાં જુગારીઓની મહેફિલો જામતી હોવાની બુમ
ભરૂચના ટંકારીયા ગામની સિમ સહિત આસપાસના વિસ્તારમાં જુગારી તત્વો રાત્રીના અંધારાનો લાભ લઈ પોતાની કરતુતોને અંજામ આપે છે, ભૂતકાળમાં પણ કેટલીય વખત આ વિસ્તારમાંથી જુગારધામ ઝડપાઈ ચુક્યા છે, તેવામાં વધુ એકવાર જુગારધામ ઝડપાતા આ વિસ્તારમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ સતત વોચ રાખી પેટ્રોલિંગ વધારવું જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
– આ વિસ્તારમાં જુગારધામ જેવી પ્રવૃતિઓ વહીવટદારોની સક્રિયતાના કારણે ચાલે છે…?
કહેવાય છે કે દૂર દૂરથી ટંકારીયા ગામમાં અનેક ખેલીઓ આવે છે, અને અહીંયા બિન્દાસ અંદાજમાં કાયદાના ખૌફ વિના પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમે છે, તો કેટલાક વહીવટ દારો તેઓની બિન્દાસ રમવા માટે પ્રેરિત પણ કરતા હોય છે, તેવામાં હવે ઝડપાયેલા જુગારીઓની ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરવામાં આવે તો જુગારીઓની તમામ કરતુતોનો ભાંડો પોલીસ સમક્ષ ખુલ્લો પડી શકે તેમ છે.