વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે તા. ૦૫/૦૫/૨૦૨૩ થી ૦૫/૦૬/૨૦૨૩ સુધી મીશન લાઈફ અંતર્ગત જુદા -જુદા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ અંર્તગત મિશન લાઈફ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે જિલ્લા સેવા કાનૂની સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય ભરૂચ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ભરૂચના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસ અને વિશ્વ સાયકલ દિવસ અંતર્ગત પર્યાવરણ જાગૃતિ અર્થે સાયકલ રેલી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ જિલ્લા ન્યાયાલય પરિસરમાં યોજવામાં આવ્યો હતો.
સાયકલ રેલીને જિલ્લા ન્યાયાલયના ઇન્ચાર્જ પ્રિન્સિપલ જજ એચ.વી.જોષી દ્વારા ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તે ઉપરાંત બાર કાઉન્સિલના વડીલોએ સોસાયટીઓમાં છોડ આપી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી.
આ સાયકલ રેલી જિલ્લા ન્યાયાલયથી નીકળી શકિતનાથ સર્કલ, સિવિલ હોસ્પિટલ, સ્ટેશન રોડ થઈ કસક સર્કલ પહોંચી હતી. ત્યારબાદ કોલેજ રોડ થઈ ભૃગુઋષિ બ્રીજ થઈ ન્યાયાલય સંકુલ પરત ફરી હતી. આ રેલીમાં જિલ્લા શિક્ષણાધિકારી કિશનભાઇ વસાવા તેમજ તમામ જજીસ જોડાયા તેમજ સાયકલ રેલીમાં ભરૂચ સાયક્લીસ્ટ એસોસિયેશનના સભ્યો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. સાયકલ રેલી બાદ પરિસરમાં જજીસ અને શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં ભરૂચની નારાયણ વિદ્યાલય, શ્રવણ વિદ્યાધામ, શ્રવણ વિદ્યાધામ, પ્રાર્થના વિદ્યાલય, ભારતી વિદ્યામંદિર વગેરે મુજબની શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ભરૂચ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિનની ભવ્ય ઉજવણી કરાઇ
Advertisement