ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દિલ્હી, મુંબઈ એક્સપ્રેસ હાઇવેમાં જમીન સંપાદન થયેલ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ ખેડૂતોને શાંત પાડવાના તંત્રના તમામ પ્રયાસો પણ નિષ્ફળ નીવડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
ભરૂચ જિલ્લામાં ખેડૂતો દ્વારા પ્રથમ હાઇવેની કામગીરી બંધ કરાવી વિરોધ પ્રદશનો કરવામાં આવ્યા હતા જે બાદ તંત્ર દ્વારા ખેડૂતો સાથે મિટિંગ યોજી ખેડૂતોને આશ્વાશનો આપી મામલો શાંત પાડવાનો પ્રયાસ કરાયો હતો જોકે તંત્રની કેટલાક ખેડૂતો માટે સંતોષકારક રહી તો કેટલાય ખેડૂતો આજે પણ તંત્ર સામે યોગ્ય વળતરની માંગ સાથે આંદોલન ચલાવી રહ્યા છે.
આજરોજ ભરૂચ કલેકટર કચેરી બહાર ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું હતું જ્યાં ખેડૂતોએ થાળીઓ વગાડી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરતા કલેકટર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, મહત્વનું છે કે ખેડૂતો 2013 ના નિયમ મુજબ વળતરની માંગ કરી રહ્યા છે, જે મામલો દિવસેને દિવસે રાજકીય રંગ સાથે સાથે વિરોધના સુર વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બનતું જઈ રહ્યો છે.