ભરૂચ – અંકલેશ્વર રોડ ઉપર સોમવારે રાતે આંગડિયા પેઢીના સંચાલક પાસેથી ચપ્પુની નોક ઉપર રૂપિયા 45 લાખ ભરેલી બેગની લૂંટના મામલામાં નાટકીય વળાંક સામે આવ્યો છે. બે બાઈક ઉપર આવેલા 4 લૂંટારુઓએ ભરત પટેલ નામના આંગડિયા સંચાલકની આંખમાં મરચાની ભૂકી નાંખી ચપ્પુની અણીએ રૂપિયા ભરેલી બેગની લૂંટ ચાલવી ફરાર થઇ ગયા હોવાની ભરત પટેલે પોલીસને ફરિયાદ કરતા તંત્ર દોડતું થયું હતું. આ મામલાની તપાસ દરમ્યાન ભરત પટેલની આંખમાં મરચું ગયું ન હોવા સાથે આખા રૂટના સીસીટીવીમાં વર્ણન અનુસારના લૂંટારુ નજરે ન પડતા શંકાની સોય ફરિયાદી ઉપર વળી હતી જેની ઉલટ તપાસમાં ભાંડો ફૂટ્યો હતો
– દેવું ઉતારવા લૂંટનું તરકટ રચ્યું
ગુનાના આરોપીએ ગાર્ડન સીટીમાં મકાન ખરીદેલ છે જે મકાનની લોન ચુકવવાની બાકી હોય તેમજ આ કામના આરોપીએ તેમના ઓળખીતા મિત્રના સ્ક્રેપના ધંધામાં ૪૦ લાખનું રોકાણ કરેલ હોય જે રોકાણ કરેલ પૈસા ધંધામાં ડુબી જતા ભારત પટેલ છેલ્લા ત્રણેક મહીનાથી ખુબ આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યો હતો. પૈસાની તકલીફ દૂર કરવા લૂંટનું કાવતરું ઘડી દોડધામ કરી મૂકી હતી.
– રૂપિયા 45 લાખની લૂંટ થી હોવાની પોલીસને જાણ કરી હતી
સોમવાર તા.29/05/2023 ના રોજ ભરતભાઇ મણીલાલ પટેલ ભરૂચ ખાતે આવેલ તેમની મહેન્દ્રભાઇ સોમાભાઇ પટેલ આંગડીયા પેઢીમાંથી રોકડા રૂપિયા 45 લાખ થેલામાં ભરી એક્ટીવામાં મૂકી છાપરા ગામના પાટીયા નજીક બે બાઇક પર ચાર માણસો આવી એક્ટીવા રોકી આંખમાં મરચાની ભૂકી નાખી ચપ્પુ બતાવી તેની પાસેનો રોકડા 45 લાખ લુટીને ફરાર થઇ ગયા હોવાની પોલીસને જાણ કરાઈ હતી. ઘટના બાબતે અંકલેશ્વર શહેર “બી” ડીવીઝન પો.સ્ટે ખાતે ઇ.પી.કો. કલમ-૩૯૪, ૩૯૭, ૧૧૪ જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો રજીસ્ટર કરી પોલીસે તપાસ શરૂ કરી હતી.
– CCTV ના નેટવર્કે ગુનાનો ભેદ ઉકેલ્યો
ભરૂચ એલ.સી.બી પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટ તથા અંક્લેશ્વર શહેર “બી” ડીવીઝન પો.સ્ટેના પોલીસ ઇન્સપેક્ટર વી.યુ.ગડરીયા માર્ગદર્શન હેઠળ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ તથા સ્થાનિક પો.સ્ટે.ની અલગ અલગ ટીમો દ્વારા ફરીયાદીએ જણાવેલ રૂટના તમામ સી.સી.ટીવી ફુટેજોને બારીકાઇથી તપાસ કરતા ફરીયાદીએ જણાવેલ વર્ણન અનુસારના ઇસમો એકપણ સી.સી.ટીવી ફુટેજમાં જણાઇ આવેલ નહીં તેમજ ફરીયાદીએ પોતાની આંખમાં મરચાની ભૂકી નાખી પૈસા લુંટી ગયેલા હોવાનું ફરીયાદમાં જણાવેલ જે બાબતે તપાસ કરી ફરીયાદીની મેડીકલ તપાસ કરાવતા ફરીયાદીની આંખમાં મરચાની ભુકી નાખવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું. આમ ફરીયાદી ઉપર પ્રબળ શંકા જતા ભરૂચ એલ.સી.બી. તથા અંક્લેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ દ્વારા ભરત પટેલની ઉંડાણપૂર્વકની પુછપરછ કરતા આરોપી ભાંગી પડેલ તથા તેણે પોતે ગુનો કરેલની કબૂલાત કરી હતી.
-ઝાડીઓમાં પૈસા સંતાડયા હતા
ભરતે નજીકની જમીનમાં ખાડો કરી પૈસા દાટી દીધેલ તથા પોતાની પાસે રહેલ મોબાઇલ રસ્તાની નજીક પાણી ભરેલ ખાડીમાં નાખી દઈ આંગડીયા પેઢીની ઓફીસ દ્વારા પૈસા સાથે રાખવામાં આવતું જી.પી.એસ. ટ્રેકર પણ ઝાડીમાં ફેંકી દીધું હતું. આજે સવારે પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથધરી ખાડીમાં ૨૫ થી ૩૦ માણસો દ્વારા શોધખોળ કરતાં જી.પી.એસ. ટ્રેકર તથા આરોપીનો મોબાઇલ મળી આવેલ છે જેથી આરોપીને પકડી આગળની કાયદેસર કાર્યવાહી અંકલેશ્વર શહેર બી” પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી હતી.