ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે અગ્નિ તાંડવની અનેક ઘટનાઓ સામે આવતી હોવાનો સિલસિલો યથાવત છે, જિલ્લામાં ખાસ કરી ખાનગી કંપનીઓ અને ગોડાઉનોમાં આગ લાગવાની સતત ઘટનાઓ બની રહી છે, જેમાં ગત રાત્રીના સમયે વધુ એક ઘટના દહેજ જીઆઈડીસી વિસ્તારમાંથી સામે આવી હતી, જ્યાં એક ખાનગી કંપનીમાં અચાનક ભીષણ આગ લાગતા ભારે નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા.
ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ ઇન્ડિયન પેરોક્સાઇડ કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી હતી, આ આગમાં 2 લોકોના મોત થયાની આશંકા સેવાઈ રહી છે, ઘટનાની જાણ ફાયર વિભાગમાં કરવામાં આવતા 5 થી વધુ ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ ઓલવવાની કામગીરી પાર કરાઈ હતી, અચાનક બોઇલર ફાટવાથી આ આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
પ્રાથમિક વિગતો અનુસાર કંપનીમાં હાઇડ્રોજન પેરોકસાઇડની પ્રોસેસ થઇ રહી હતી. તે દરમ્યાન આગ લાગી હતી. અચાનક અગ્નિની જવાળાઓ ઉંચે સુધી જોવા મળી હતી, જે બાદ કંપનીમાં કામ કરતા કામદારોમાં નાશભાગ મચી હતી, તેમજ આસપાસ વસવાટ કરતા લોકોના જીવ પણ એક સમયે ટાળવે ચોંટ્યા હતા, ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા તેમજ જીપીસીબી સહિતનું તંત્ર પણ સ્થળ પર દોડી જઈ ઘટના અંગેનો ચિંતાર મેળવ્યો હતો.