ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ ખાતે વાણીયાવાડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દુર્ગંધ મારતી ઉભરાતી ગટરોના કારણે સ્થાનિક લોકોમાં રોગચારાની દહેશત જોવા મળી રહી છે, ગટરો ઉભરાવવાના કારણે ગંદુ પાણી દહેજ બસ સ્ટેન્ડ સુધી પહોંચી ગયું છે, જે રસ્તા ઉપર અનેક ધાર્મિક સ્થાનો પણ આવેલા છે.
જાહેર માર્ગ ઉપર જ ગટરનું દુર્ગંધ મારતું પાણી ફરી વળતા ત્યાંથી પસાર થતા રહાદારીઓ, બાળકો સહિતના લોકોને અવરજ્વરમાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ નજીકમાં જ શાળા આવેલી હોય બાળકોના સ્વાસ્થ્ય ઉપર પણ આ ગંદકી ભર્યા પાણીની અસર થઈ શકે તેમ છે, જેને લઈ સમગ્ર મામલે ગ્રામ પંચાયતમાં લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.
દહેજ ગામના અગ્રણી કિશોરસિંહ રણા એ મામલે ગ્રામ પંચાયતમાં પત્ર લખી રજુઆત કરી હતી તેમજ દુર્ગંધ મારતું પાણી અટકાવી ગટરોની વહેલી તકે મરામત કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી, સાથે જ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જો સમયસર આ કામગીરી નહીં કરવામાં આવે તો કોરોના અને ડેન્ગ્યુ જેવી ભયંકર બીમારીઓ ફેલાતા વાર નહીં લાગે, જેથી ત્વરિત આ કામગીરી કરવા માંગ કરી હતી.