ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, જિલ્લામાં દર 24 કલાકે અનેક અકસ્માતના બનાવો બની રહ્યા છે, કેટલાક બનાવોમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે તો કેટલાક બનાવોમાં ઈજાગ્રસ્ત થઈ સારવાર લેવા મજબુર બની રહ્યા છે, ગત રાત્રીના સમયે પણ જિલ્લામાં બે જેટલી માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી.
અકસ્માતની પ્રથમ ઘટના નેશનલ હાઇવે 48 ઉપર પાલેજ-નબીપુર વચ્ચેથી સામે આવી હતી, મોડી રાત્રીના સમયે ખાનગી ટ્રાવેલ્સની બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતને પગલે હાઇવે ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, અકસ્માત બાદ હાઇવે ઉપર ટ્રાફિક જામનું પણ નિર્માણ થયું હતું, જે બાદ પોલીસ વિભાગ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયું હતું અને અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા વચ્ચેથી ખસેડી ટ્રાફિકને ખુલ્લો મુક્યો હતો.
દમણથી સારંગપુર જતી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ પાલેજની ભૂખી ખાડી પાસે આગળ ચાલતી ટ્રક પાછળ ધડાકાભેર ઘુસી જતા મુસાફરોની ચિચયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, અકસ્માત બાદ બસમાં સવાર અંદાજીત 20 જેટલાં મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.
ઘટના અંગેની જાણ ભરૂચ 108 ઇમર્જન્સી એમ્બ્યુલસને કરવામાં આવતા એમ્બ્યુલન્સનાં કર્મીઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી જઈ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, તેમજ અકસ્માત બાદ બસ ડ્રાઇવર બસમાં જ ફસાઈ જતા તેને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો, મામલે પાલેજ પોલીસે સ્થળ પર દોડી જઈ વધુ તપાસ હાથધરી હતી.
આજ પ્રકારે અકસ્માતની અન્ય એક ઘટના અંકલેશ્વર પંથકમાંથી સામે આવી હતી જ્યાં જીઆઈડીસી વિસ્તારમાં આવેલ દર્શન ચોકડી પાસે રાત્રીના સમયે આઈસર ટેમ્પોની પાછળ ફોરવ્હીલ કારનો ચાલક ધડાકાભેર ઘુસી જતા આસપાસ ઉપસ્થિત લોકોમાં નાશભાગ મચી હતી, અકસ્માતના પગલે ચોકડી ઉપર એક સમયે લોક ટોળા ભેગા થતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાશ લીધો હતો, આમ વીતેલા 12 કલાકમાં જ રાત્રીના સમયે ભરૂચ જીલ્લામાં અકસ્માતના બે બનાવો સામે આવ્યા હતા.