ભરૂચ જિલ્લામાં ચાલુ માસ દરમ્યાન આગ લાગવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે, જિલ્લામાં જ્યાં એક તરફ ગરમીનો પારો ચરમસીમા એ પહોંચ્યો છે તો બીજી તરફ અનેક સ્થળે આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવતી જોવા મળી રહી છે, વીતેલા 12 કલાકમાં જ વધુ બે સ્થળે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.
જેમાં પ્રથમ ઘટના ભરૂચ રેલવે સ્ટેશન વિસ્તારમાં મુખ્ય માર્ગ પર આવેલ નવા આકાર પામેલા આધુનિક બસ ડેપોની પાછળ ઇન્દિરા નગર ઝુપડપટ્ટીમાં વેદાંત હોસ્પીટલની સામે બપોરના સુમારે એક ઘરમાં અચાનક આગ લગતા ભારે અફરાતરફી મચી જવા પામી હતી. આગ લાગતા ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ફાયટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આગના લીધે ઘરની તમામ ઘરવખરી બળીને ખાખ થવા પામી હતી, આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. પણ લોકમુખે ચર્ચા અનુસાર ગરમીના કારણે સોર્ટસર્કિટ થતા આગ લાગી હતી.
આજ પ્રકારે ભરૂચ તાલુકાના દયાદરા ગામ ખાતે પણ આગ લાગવાની ઘટના સામે આવી હતી, જ્યાં એક મોપેડમાં અચાનક ધુમાડા નીકળ્યા બાદ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી, જોતજોતામાં આખે આખી મોપેડ આગની જવાળાઓમાં ખાખ થવા પામી હતી, ઘટનાના પગલે સ્થળ ઉપર લોકોના ટોળા ઉમટી પડયા હતા, જે બાદ આગ પર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લેવાઈ હતી.