ભરૂચ જિલ્લામાંથી પસાર થઈ રહેલા એક્સપ્રેસ હાઈવેના નિર્માણ કાર્યમાં કેટલાક નેતાઓના દોરી સંચાર હેઠળ ગણ્યા ગાંઠીયા લોકો વિરોધ કરી રોડા નાખવાની કોશિશ કરી રહ્યા છે. અમદાવાદથી સુરત વચ્ચેના એક્સપ્રેસ હાઈવેના કામમાં ભરૂચ જિલ્લામાં માત્ર 18 કી.મી નો રસ્તો બનાવવાનો બાકી છે, આ રસ્તો તૈયાર થઈ જાય તો અમદાવાદથી હાસોટ સુધીનો માર્ગ ઉપયોગ માટે શરૂ થઈ શકે તેમ છે. રાષ્ટ્રના હિતમાં તૈયાર થઈ રહેલા આ માર્ગને વહેલી ટકે લોકાર્પણ થાય તે માટે જીલ્લા કલેક્ટર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરે જિલ્લામાં બાકી રહેલો અંદાજિત 18 કી.મી નો માર્ગ યુદ્ધના ધોરણે બનાવવા માટેનો તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે.
દિલ્હી મુંબઈ વચ્ચે બની રહેલો એક્સપ્રેસ હાઈવે ભરૂચ જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે, રાષ્ટ્રના હિતમાં બની રહેલા એક્સપ્રેસ હાઈવે માટે ભરૂચ જિલ્લાના 33 ગામોમાં અંદાજિત 1400 જેટલા ખેડૂત ખાતેદારોને જમીન સંપાદન હેઠળ ગઈ છે. જિલ્લાના મોટાભાગના ખેડૂતોએ પોતાની જમીનને રાષ્ટ્રહિતમાં સમર્પણ કરી દીધી છે. અલબત્ત સુરત, વલસાડ અને નવસારીમાં જમીન ગુમાવનાર ખેડૂતોને જે ભાવે વળતર ચૂકવવામાં આવ્યુ તે મુજબનું વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી રહી છે. જોકે જિલ્લામાં દરેક ગામની જમીનની બજાર કિંમત અને સરકારી જંત્રી ની કિંમત અલગ અલગ હોય છે ત્યારે દરેકને એક જ સરખો ભાવ ચૂકવવાથી ભવિષ્યમાં હાઇવેમાં જમીન નહીં ગુમાવનાર જિલ્લાના હજારો ખેડૂતોને ખમી ન શકે તેટલું નુકસાન થવાની શક્યતાઓ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરેક ગામની બજાર કિંમત મુજબ ચાર ગણું વળતર આપવાની ફોર્મ્યુલા બનાવવામાં આવી રહી છે.જોકે કેટલાક નેતાઓના દોરી સંચાર હેઠળ ખેડૂતોને ગુમરાહ કરી રાષ્ટ્રીય પ્રોજેક્ટ એક્સપ્રેસ હાઇવેના નિર્માણ કાર્યમાં રોડા નાખી દેશની સંપત્તિને કરોડનું નુકસાન કરવાની કોશિશ કરવામાં આવી રહી હોવાની ચર્ચા જોરશોરથી શરૂ થઈ છે.
ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ હાઈવેમાં જમીન ગુમાવનાર અંદાજ 1400 જેટલા સર્વે નંબરની માલિકી ધરાવતા અંદાજિત 5000 જેટલા ખેડૂતોમાંથી જૂજ ખેડૂતો વળતરના નામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જિલ્લા કલેકટર તુષાર સુમેરા દ્વારા એક્સપ્રેસ હાઈવેનું છેલ્લા એક વર્ષથી બંધ પડેલા નિર્માણ કાર્યને શરૂ કરાવ્યુ છે ત્યારે આજે અંકલેશ્વર, ભરૂચ અને આમોદના જમીન ગુમાવનાર પાંચ હજાર કરતા વધારે ખેડૂતોમાંથી માત્ર 241 ખેડૂતોએ જિલ્લા કલેકટરની મુલાકાત લઈ તેમને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જિલ્લા કલેકટરે ખેડૂતોની રજૂઆતોને શાંતિથી સાંભળી વળતરને લઈ ખેડૂતોના મનમાં જે ગેરસમજ હતી તેને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.
ભરૂચ જિલ્લામાંથી પસાર થઈ રહેલા એક્સપ્રેસ હાઈવેમાં 33 ગામોના ૯૦ ટકા ખેડૂતોએ વળતર મેળવી લીધું છે છતાં સરકાર દ્વારા આપવામાં આવેલા આ વળતરથી જે ખેડૂતો નાખુશ હોય તો તેઓ કોર્ટનો સહારો લઇ યોગ્ય વળતર મેળવી શકે છે તેમ છતાં એક્સપ્રેસ હાઈવેની કામગીરીને કેમ અટકાવવામાં આવી રહી છે તેવા સવાલો પ્રજામાં ઉઠી રહ્યા છે. પ્રજાના ટેક્સના કીમતી નાણામાંથી બની રહેલા દેશહિતના આ પ્રોજેક્ટમાં કામગીરી અટકાવી નાગરિકોના કરોડો રૂપિયાના ટેક્સની રકમનું નુકસાન કરવામાં આવી રહ્યું છે. આ સંજોગોમાં ખેડૂતોએ દેશહિતમાં નિર્ણય લઇ એક્સપ્રેસ હાઈવેની કામગીરી વહેલી તકે સંપન્ન થાય તે દિશામાં કામ કરવું જોઈએ તેવી ચર્ચા પણ થઈ રહી છે.