એક પેમફ્લેટ છપાવી ભેજાબાજે આણંદ-ખેડાનાં 6 યુવાનોને નોકરી આપવાનું કહી વડોદરા બાદ ભરૂચની હોટલમાં બોલાવી રુપિયા 1.55 લાખનાં 6 લેપટોપ લઈ ભાગી જતા અનોખી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. ખેડાના ઠાસરા ગામે રહેતા જયાનંદ અશોકભાઈ મેકવાનને એક મહિના પહેલા એક પેમફ્લેટ મળ્યું હતું. જેમાં લખ્યું હતું, નોકરી માટે મળો. યુવાને 22 એપ્રીલે ફોન કરતા સામેથી વ્યક્તિએ પોતાનું નામ હસમુખ પટેલ જણાવી વડોદરાની કાઠિયાવાડી હોટલમાં મળવા બોલાવ્યો હતો. વડોદરા હોટલમાં જયાનંદને તેના ખેડા અને આણંદ જિલ્લાના ઠાસરા તેમજ ઉમરેઠ ગામના અન્ય 5 યુવાનો પ્રતીક રાજુ વસાવા, કિરણ અર્જુન ભોઈ, અનિલ મોહન સોલંકી, કિશન અશોક ઠાકોર અને વિશાલ કનુ પરમાર મળ્યા હતા.
ભેજાબાજ હસમુખ પટેલે ઉમિયા ફર્ટિલાઈઝરમાં ફિલ્ડવર્કની નોકરી અને મહિને 23 હજાર રુપિયા પગારની વાત કરી હતી. જોકે શરત માત્ર એક નવું કે જૂનું લેપટોપ જોઈશે. તેમ કહી એક મે ના રોજ તમામ નોકરી વાંચ્છુક યુવાનોને ભરૂચ બોલાવ્યા હતા. બપોરે યુવાનો ઝાડેશ્વર ચોકડી ઉતરતા હોટલ સીટીઝન આવવા કહ્યું હતું. જ્યાં ભેજાબાજે યુવાનો પોતાની સાથે લાવેલ બેગ અને લેપટોપ રૂમમાં જ મુકાઈ દઈ કોર્ટમાં નોટરી કરવા લઈ ગયો હતો. કોર્ટ બહાર યુવાનોને ઉભા રાખી ભેજાબાજ અંદર સ્ટેમ્પ લેવા ગયો હતો અને કલાકો વીતવા છતાં પરત આવ્યો ન હતો. અંતે 6 યુવાનો હોટલ પર જઈ જોયું તો તેમનાં બેગમાંથી 6 લેપટોપ કે જેની કિંમત રૂપિયા 1.55 લાખ હતી ગાયબ થઈ ચૂક્યા હતા. નોકરીના બહાને લેપટોપની છેતરપિંડી અંગે સી ડિવિઝન પોલીસ મથકે ભેજાબાજ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જે બાદ ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ નેશનલ હાઇવે 48 ઉપર વોચમાં હતા દરમ્યાન એક સફેદ કલરની એક્ટિવા લઈ પસાર થઈ રહેલા ઈસમને રોકી તેની પુછપરચા હાથધરી હતી તેમજ થેલામાં તપાસ કરતા તેમાંથી લેપટોપ મળી આવ્યા હતા, પોલીસે મામલે પૂછતાં તેણે સંતોષકારક જવાબ ન આપ્યો હતો, બાદમાં પોલીસ પૂછતાજથી ભાંગી પડેલ અને પોતે અંતરીયાળ વિસ્તારના યુવાનોને શહેરી વિસ્તારમાં નોકરીની લાલચે લેપટોપ લઈ બોલાવતો હતો અને હોટલમાં ઇન્ટરવ્યૂનાં બહાને યુવનોને રૂમ આપવતો હતો બાદમાં નોકરી વાંચ્છુક યુવાનોને બહાર કામ અર્થે મોકલી આપી તેઓના રૂમમાંથી લેપટોપ ચોરી કરી લઈ ત્યાંથી રફુચક્કર થઈ જતો હતો.
ભરૂચ ક્રાઇમ બ્રાંચ્ચે મામલે ભાવેશ કુમાર મંગળભાઈ પટેલ રહે, અલન્કાર ટાવર, સયાજી ગંજ વડોદરાના ઈસમની મામલે ધરપકડ કરી તેની પાસેથી 10 લેપટોપ, ગુનામાં વપરાયેલ મોપેડ, મોબાઈલ સહિત કુલ 2,41,600 નો મુદ્દામાલ કબ્જે કરી ભરૂચ સી ડિવિઝન સહિત અમદાવાદના ગુનાનો ભેદ ઉકેલી ભેજાબાજ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.