ભરૂચ ખાતે શહેરી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી લાઈટો ડૂલ થતી હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે, ખાસ કરી રાત્રીના સમયે લાઈટો ડૂલ થતા ગરમીથી ત્રસ્ત પ્રજાને પરસેવે રેબઝેબ થવાનો વારો આવે છે, અડધી રાત્રીના લોકો જયારે મીઠી નિદ્રા માણી રહ્યા હોય ત્યારે લાઈટો જતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
અવારનવાર લાઈટો ડૂલ થતા શહેરીજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો, તો બીજી તરફ રોષે ભરાયેલા લોકો એ રવિવારે રાત્રીના ભરૂચના પાંચબત્તી પાસે આવેલ વીજ કંપનીની વિભાગય કચેરી ખાતે દોડી ગયા હતા તેમજ કચેરીમાં ચાલી રહેલા લાઈટ પંખા બંધ કરી જીઈબી પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે છેલ્લા કેટલાય દિવસોથી રાત દિવસ લાઈટ જવાની અનેક વિસ્તારોમાંથી ફરિયાદો ઉઠવા પામી છે જે બાબતને લઈ વિવિધ વિસ્તારના લોકો જીઈબી ખાતે દોડી ગયા હતા અને લાઈટ ડૂલ થવાના કારણો પૂછ્યા હતા, લોકોએ આક્ષેપ કર્યા હતા કે અવારનવાર લાઈટો બંધ થાય છે તેમજ જીઈબી કચેરીમાં ફરિયાદ કરવા ફોન કરવામાં આવે છે તો ક્યાંક ફોન લાગતો નથી અને લાગી જાય તો સામેથી યોગ્ય ઉત્તર આપવામાં આવતા નથી જેને લઈ આખરે કંટાળી જઈ લોકોએ કચેરી ખાતે દોડી આવી હોબાળો મચાવ્યો હતો.