ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વટારીયા સ્થિત યુપીએલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજના ૧૨ વર્ષ પુરા થતાં તે નિમિત્તે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પ્રમુખ અશોકભાઇ પંજવાણી, કોલેજના પ્રિન્સિપાલ શ્રીકાંત વાઘ, નરેન્દ્રભાઈ ભટ્ટ સહિત કોલેજના પ્રાધ્યાપકો, કર્મચારીઓ તેમજ વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હાલમાં અહિંયા જે કોલેજ ચાલે છે, તેના હાલ બાર વર્ષ પુરા થતાં આ સમય દરમિયાન કોલેજે કરેલ પ્રગતીની ઝલક આ પ્રસંગે રજુ કરવામાં આવી હતી. ત્યારબાદ યુપીએલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી,તેને ત્રણ વર્ષ જેટલો સમય પુર્ણ થયો છે. કોલેજમાં તબક્કાવાર શરુ કરાયેલા વિવિધ ટેકનિકલ કોર્સની સંખ્યા આજે ઘણી મોટી છે. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ શ્રીકાંત વાઘ તેમજ યુનિવર્સિટીના પ્રમુખ અશોકભાઇ પંજવાણીએ પ્રસંગોચિત વકતવ્યોમાં સંસ્થાની ઉત્તરોત્તર પ્રગતિનો ખયાલ આપીને સંસ્થા શિષ્યવૃત્તિના માધ્યમ દ્વારા આર્થિક રીતે નબળા પરિવારના વિધ્યાર્થીઓ માટે પણ મદદરૂપ બની રહી છે તે વાતનો ઉચ્ચાર કર્યો હતો. ડો.સ્નેહલ લોખંડવાલાએ સમાજમાં શિક્ષણનું મહત્વ દર્શાવીને પ્રાચિન સમયમાં વિધ્યાર્થીઓને ભણાવતા ગુરુકુળોથી લઇને હાલના સમય દરમિયાનની શિક્ષણ પ્રણાલીઓ સહિત શિક્ષણના પ્રાચિન ઇતિહાસની રસપ્રદ જાણકારી આપી હતી. અને દરેક બાબત પ્રશ્ન પર આધારિત હોવાનું જણાવી પ્રશ્ન કરવામાં આવે તોજ તેનો જવાબ પણ મળે, એમ જણાવ્યું હતું.આ પ્રસંગે યુનિવર્સિટીમાં હાલમાં ચાલતા વિવિધ અભ્યાસના કોર્સ અને ભવિષ્યમાં નવા શરુ કરાનાર કોર્સોની માહિતી આપી હતી. ૨૫ એકર જેટલી જમીનમાં પથરાયેલ યુપીએલ યુનિવર્સિટીની ગણના દેશની અગ્રગણ્ય યુનિવર્સિટીઓમાં થાય છે તેમ જણાવાયું હતું. ટેકનિકલ અભ્યાસની સાથેસાથે સંસ્થા સમાજોપયોગી એનસીસી તાલિમ, રક્તદાન કાર્યક્રમ જેવી વિવિધ બાબતોને પણ મહત્વ આપેછે. સંસ્થામાં ભણીને ડિગ્રી મેળવીને બહાર ગયેલા ઘણા વિધ્યાર્થીઓ આજે સારી જગ્યાઓ પર હોવાનું પણ આ પ્રસંગે જણાવાયું હતુ. કાર્યક્રમના અંતમાં ધર્મેશ પટેલે કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત સહુનો આભાર માન્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ