ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મંગળવારે વિપક્ષી નેતા સમસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી હેમેન્દ્ર કોઠીવાલા, શહેર પ્રમુખ હરેશ પરમાર, ઇબ્રાહિમ કલકર સહિતે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. ભાજપ શાસિત ભરૂચ પાલિકાએ વિકાસના વધુ કામો કરવા અને આર્થિક ભારણ હળવું કરવા બજેટ સભામાં પાણી, ડ્રેનેજ અને સફાઈમાં સૂચિત વેરા વધારાની દરખાસ્ત મુકી હતી.
જેની સામે વિપક્ષ કોંગ્રેસે ભાજપ પાલિકાના શાસકો ભરૂચની પ્રજાને પ્રાથમિક સવલતો તેમજ સુવિધા આપવામાં નિષ્ફળ નીવડયા હોવાના આક્ષેપ સાથે વેરા વધારાનો વિરોધ નોંધાવ્યો હતો. સૂચિત વેરા વધારા સામે વાંધા વિરોધ રજૂ કરવા એક મહિનાના સમય સામે હવે 25 દિવસ બાકી હોય વિપક્ષ કોંગ્રેસ તેનો વિરોધ નોંધાવવા અને પ્રજાને વધુમાં વધુ વાંધા અરજી કરવા મેદાને ઉતર્યું છે. વાંધા વિરોધની કોંગ્રેસે 10 થી 12 ફોર્મેટ બનાવી છે અને શહેરીજનોને પોતાના વાંધા વરોધ રજૂ કરવામાં મદદરૂપ થવા પાલિકામાં વિરોધ પક્ષનું કાર્યાલય સવારે 11 થી બપોરે 1 વાગ્યા સુધી કાર્યરત રહેશે તેમ વિપક્ષે પ્રજાને જાણ કરી છે. વધુને વધુ લોકો વાંધા અરજી કરી આર્થિક ભારણમાંથી બચે તે માટે વિપક્ષે પહેલ કરી છે.
– કોંગ્રેસમાં જ કકળાટ જેવી સ્થિતિ
જેમ જમવા માટે થારી, વાડકા અને ચમચીની જરૂર હોય છે તો જ ભોજનને સારી અને વ્યવસ્થિત રીતે જમી શકાય છે, પરંતુ ભરૂચ કોંગ્રેસમાં હું બાવોને મંગળદાસ જેવી કહેવત આજકાલ ચર્ચાનું કેન્દ્ર બની છે, જેમાં પણ ખાસ કરી વોર્ડ નંબર 1, 10 અને 2 ના ચૂંટાયેલા સભ્યો જ સર્વે સરવા બની સંગઠન અને જે તેને વોર્ડમાંથી હારેલા ઉમેદવારોને પણ દૂર કરી પોતાની રીતે જ બધું કરતા હોય તેવું કોંગ્રેસના આંતરિક રાજકારણમાં ચર્ચાઈ રહ્યું છે.
હાલ ભરૂચ નગરપાલિકા દ્વારા વેરા વધારાનો મુદ્દો વિપક્ષ જોરોસોરોથી ઉઠાવી રહ્યું છે, જેના ભાગરૂપે આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિસદનું આયોજન પાલિકાના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ દ્વારા કરવામાં આવ્યું હતું, આ પત્રકાર પરિસદમાં સત્તા પક્ષ દ્વારા સૂચિત વેરા વધારાના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો.
સત્તા પક્ષના નિર્ણયો સામે હંમેશા પાછળ પડતું વિપક્ષ સૂચિત વેરા વધારાની બાબતે આક્રમક છે તેવો માહોલ ઉભો કરી રહ્યા છે, વિપક્ષની આ લડત શું આગામી સમયમાં સત્તા પક્ષ પર હાવી પડશે..? કે પછી ગરજે લા વાદળો વરસ્યા નહીં જેવો ઘાટ વિપક્ષનો થશે તેવી બાબત આજકાલ સૂચિત વેરા વધારાના વિપક્ષના આક્રમક અંદાજ પરથી લોકોમાં ચર્ચાઈ રહી છે, ભૂતકાળમાં પણ ઘણા એવા પ્રશ્રનો ઉઠાવ્યા બાદ વિપક્ષ તેનું પરિણામ મેળવવામાં ઢીલું અને નિષ્ફળ ગયું છે તેમ કહેવાય રહ્યું છે.
– વિધાનસભા ચૂંટણીઓ બાદથી કોંગ્રેસનું સંગઠન વિખેરાયું..?
ભરૂચ જિલ્લામાં પાંચ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસના તમામ ઉમેદવારની કારમી હાર બાદથી જ કોંગ્રેસના સંગઠનમાં ઢીલાશ આવી હોય તેમ લાગી રહ્યું છે, જેમાં પણ ટાંટિયા ખેંચ પદ્ધતિ ચાલતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, એક તરફ જિલ્લાનું સંગઠન ચાલે છે તો બીજી તરફ યુવા પાંખ અને શહેરનું સંગઠન પણ દિશા વિહોણું ચાલતું હોવાનું કહેવાય રહ્યું છે, તેવામાં લોકોની વચ્ચે અને લોકોના હ્રદયમાં ફરીથી કોંગ્રેસ મજબૂત સ્થાન કેવી રીતે હાંસિલ કરી શકશે તેમ પણ રાજકીય વિશ્લેષકોમાં મંથન સ્વરૂપી ચર્ચાઓ ચાલી રહી છે.
શહેરમાં હજારો કાર્યકર ધરાવતી કોંગ્રેસ હવે માત્ર ચાર ચહેરા પૂરતી બની..?
ભરૂચ શહેરમાં કોંગ્રેસના અનેક સિનિયર સહિતના હજારો કાર્યકરો અને આગેવાનો છે, પરંતુ કોંગ્રેસનું આંતરિક રાજકારણ અને હું જ એટલે બધું જેવી કેટલાક ચાર ચહેરાઓની નીતિથી આજે કોંગ્રેસનું સંગઠન દિશા વિહોણું બન્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જે બાબત તાજેતરમાં જ કોંગ્રેસ કેટલાક કાર્યક્રમોમાં કાર્યકરો અને હોદ્દેદારોની પાંખી હાજરી ઉપરથી પણ સાબિતી આપતી હોવાનું કહેવાય રહ્યું છે.