આજરોજ તા. ૨૯ એપ્રિલે વહેલી સવારે, ભરૂચ નગરની ભવ્ય ધરા પર આચાર્ય રત્નસુંદર મહારાજાશ્રીનો એનસીસી તથા મહિલા બેંડના સથવારે, સેંકડો જૈન-જૈનેતરની ઉપસ્થિતિમાં પ્રિતમ નગર -૧ ના ગોડીજી જિનાલય ખાતે ભાવ્યાતિભવ્ય રીતે સ્વાગત પ્રવેશ થયો હતો. દેરાસરના પ્રાંગણમાં આયોજિત પ્રવચન શ્રેણીમાં આજરોજ “હેંડલ વીથ કેર” વિષય પર પોતાની આગવી શૈલીમાં ઉપસ્થિત મેદનીને સંબોધતા જણાવ્યું કે, પ્રભુ દ્વારા સૌને બે પ્રશ્ન પૂછવામાં આવે છે, જેમાં માત્ર ૧ માર્કનો પશ્ન એ હોય છે કે “તું કેટલો મઝામાં છે” , પણ બીજો જે મહત્વનો ૯૯ માર્ક્સનો પ્રશ્ન એ હોય છે કે, તારા થકી કેટલા લોકો મઝામાં છે?? તેનો અર્થ એ છે કે, આપણું સ્મિત એ કોઇના આંસુનું કારણ ન બનવું જોઇએ. દરેક મનુષ્યે સંબંધોમાં જીવનના ચાર તબક્કાઓમાં સંભાળીને ચાલવા જેવું છે.
૧. ‘ડોન્ટ ચીટ રિલેશન્સ’ : સંબંધોને છેતરો નહીં, જે વ્યક્તિ તમારા જુઠને પણ સાચું માની લેતી હોય તેવી વ્યક્તિ સાથે ક્યારેય વિશ્વાસઘાત ન કરવો જોઇએ કારણ કે વિશ્વાસઘાતથી માણસને આપઘાત કરી લેવું જ સાચું લાગે છે. તમારા જીવન માટે ઉત્તમ અને ઉપકારી વ્યક્તિઓ સાથે ક્યારેય છેતરપીંડી ન કરવી.
૨.’ડોન્ટ રિપીટ મિસ્ટેક’ : મનુષ્યે ભૂતકાળમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન ક્યારેય ન કરવું જોઇએ.
૩.’ડોન્ટ હીટ એનીવન’ : મનુષ્યે ક્યારેય કોઇના હ્રદયને ઠેસ ન પહોંચાડવી જોઇએ.
૪.’ડોન્ટ ડીફીટ’ : મનુષ્યે લાગણીઓમાં કોઇને ક્યારેય હરાવવાની કોશિશ ન કરવી જોઇએ. પરમ ઉપકારી અને ઉત્તમ વ્યક્તિઓ સામે દલીલ કર્યા વિના હારી જવું એ જ દુનિયાની શ્રેષ્ઠ જીત છે.સંતોષથી સુવે અને આનંદથી ઉઠે તે મનુષ્ય સૌ થી સુખી છે.
આવતી કાલે સવારે ૯:૦૦ થી ૧૦:૧૫ દરમ્યાન પૂજ્ય ગુરુદેવ, ગોડીજી પાશ્વનાથ જૈન મંદિર પરિસર, પ્રિતમ-૧ સોસાયટી ખાતે વ્યાખ્યાન આપશે. જેનો લાભ લેવા ભરુચની ધર્મપ્રેમી, શ્રવણપ્રેમી જનતાને સમસ્ત ભરુચ જૈન મહાસંઘ વતી આયોજક કલ્યાણ મિત્રો હાર્દિક આમંત્રણ પાઠવે છે.