ભરૂચ જિલ્લામાં ઉનાળાની ઋતુ દરમ્યાન આગ લાગવાની સતત ઘટનાઓ સામે આવી રહી છે, કેટલાક સ્થળે ચાલુ વર્ષ દરમ્યાન ઉધોગોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે તો કેટલીક જગ્યાએ ભંગારના ગોડાઉનોમાં આગ લાગવાની ઘટનાઓ સર્જાઈ હતી તેવામાં વધુ એક આગ લાગવાની ઘટના આજે ભરૂચ શહેરમાંથી સામે આવી હતી.
ભરૂચના શાલીમાર નજીક આવેલ રંગોલી કોમ્પ્લેક્ષ ખાતે જૂની તૃપ્તિ હોટલની જગ્યા ઉપર અચાનક આગ લાગ્યા બાદ ધુમાડા નજરે પડતા આસપાસ ઉપસ્થિત લોકોમાં દોડધામ મચી હતી, ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના જવાનોએ લાયબંબા સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા તેમજ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
હાલ આ આગ ક્યાં કારણોસર લાગી હતી તે અંગે સ્પષ્ટતા થઈ ન હતી, જોકે શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે, આગની ઘટનામાં હોટલ પરિસરના નુકશાની થઈ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.