જિલ્લા કલેકટર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં “જિલ્લા સ્વાગત કાર્યક્રમ” કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાયો હતો. લોકશાહીના વહીવટને લોકો સમક્ષ પારદર્શક કરતો સ્વાગત કાર્યક્રમ લોકશાહીને નવી દિશા ચીંધી રહ્યો છે.
આ કાર્યક્રમમાં કુલ ૧૨ અરજીઓનુ સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું. લોકશાહીને ધબકતી રાખી પ્રજાના કલ્યાણ માટે છેલ્લા ૨૦ વર્ષથી નિરંતર ચાલી આવતો ગુજરાત સરકારનો સ્વાગત (સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રિવન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી) ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ લોકો માટે આધારસ્તંભ બની ગયો છે. લોકોના પ્રશ્નોનુ હકારાત્મક નિરાકરણ કરવા માટે સરકાર અને વહીવટીતંત્ર કટિબદ્ધ છે. તેમણે સ્વાગત કાર્યક્રમમાં આવેલી અરજી સિવાયની અરજીઓનુ પણ નિરાકરણ લાવવા જણાવ્યું હતું.
ભરૂચ જિલ્લામાં કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં સ્વચ્છતા,રોડ રસ્તા, જમીન સર્વે, જી.આઈ.ડી.સી, ડી.આઈ.એલ.આર., બાંધકામ વિભાગ અને નગરપાલિકા વગેરે વિભાગોના વિવિધ કક્ષાએથી આવેલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું. સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ સામાન્ય જનતાની સમસ્યાનો સુચારૂ ઉકેલ લાવવાની દિશામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યું છે. પરિણામે નાગરિકો-વહીવટીતંત્ર વચ્ચેનો સંવાદ અને સૌહાર્દનો સેતુ જળવાઈ રહે છે.
ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોષી, અધિક નિવાસી કલેક્ટર એન.આર. ધાધલ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અમલીકરણ અધિકારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.