ભરૂચ શહેરના વંસત મિલની ચાલ વિસ્તારમાં રહેતા સામાજીક કાર્યકર જેરામ મુળજીભાઈ ગલચર દ્વારા પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટ યુનિટ ભરૂચ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર રાકેશ મીઠાઈવાલા સામે ભ્રસ્ટાચારના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. જાણવા મળતી ચર્ચાસ્પદ માહિતી અનુસાર વાત કરવામાં આવે તો ભરૂચ પી.આઈ.યુ દ્વારા જિલ્લામાં આવેલ વિવિધ તાલુકાની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ -ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્ર અને આરોગ્ય લક્ષી બિલ્ડીંગોની નવીન બાંધકામ તથા મરામતની કામગીરી કરવાની રહે છે.
જેમાં આક્ષેપો કરવામાં આવ્યા છે કે ભરૂચ પી.આઈ.યુ કચેરી ખાતે ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઈજનેર રાકેશ મીઠાઈ વાલા દ્વારા જિલ્લાના અનેક તાલુકાની સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્ર અને આરોગ્યલક્ષી બિલ્ડીંગોની રીપેરીંગ અને રીનોવેશનના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે, સરકાર દ્વારા ફાળવવામાં આવતા નાણાથી પોતાનું ખીસ્સુ ભરવામાં નાયબ કાર્યપાલક ઈજનેર રાકેશ મીઠાઈ વાલા દ્વારા બધી હદો પાર કરી દેવામાં આવી હોવાના પણ આક્ષેપ સામાજીક કાર્યકર દ્વારા કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લાના વસંત મિલની ચાલ ખાતે રહેતા જેરામ મુળજીભાઈ ગલચર દ્વારા પી.આઈ.યુ ભરૂચની કચેરી ખાતે આર.ટી. એક્ટ હેઠળ રીપેરીંગ, રીનોવેશન, અને નવીન બાંધવામાં આવેલ બિલ્ડીંગોની માહિતી માંગતા ભરૂચ પી.આઈ.યુ ખાતે ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઈજનેર રાકેશ મીઠાઈવાલા દ્વારા સમય મર્યાદા હેઠળ જવાબ ન આપતા અરજદારને શંકા ઉભી તથા અધિક્ષક ઈજનેર પી.આઈ.યુ વડોદરા ખાતે અપીલ દાખલ કરવામાં આવી હતી, જેની જાણ તેઓને થતા અધૂરી અને ખોટી માહિતી આપવામાં આવી હોવાના આક્ષેપ અરજદાર દ્વારા કરાયા છે.
માહિતીમાં જણાવવામાં આવેલ રીપેરીંગ અને રીનોવેશનના કામગીરીની તપાસ કરતા સ્થળ ઉપર કંડમ બિલ્ડીંગ જોવા મળેલ હતું, અને કાગળ ઉપર ખર્ચ પડેલની વિગતો જણાવવામાં આવી હતી. અરજદારને આપવામાં આવેલ માહિતીમાં જણાવેલ કામોની અરજદારને શંકા તથા કામોની તપાસ શરૂ કરી હતી, જેમાં ભરૂચ જિલ્લાના વાલિયા ખાતેના સી,એમ,ટી,સી બિલ્ડીંગ, તાલુકા હેલ્થ કચેરી નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર, જંબુસર સબ -ડીસ્ટ્રીક હોસ્પિટલ ખાતે બાંધવામાં આવેલ મંડપ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર વાલિયાના કામોમાં પણ ભ્રષ્ટાચાર થયા હોવાના પુરાવા મળી આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત અન્ય ઘણા કામોની તપાસ અરજદાર દ્વારા શરૂ કરવામાં આવી છે, અરજદારનું જણાવવું છે કે ફક્ત કાગળ ઉપર ચુકવણું કરી બારોબાર ખીસ્સા ભરી લેવામાં આવ્યા છે, જે બાદ સમગ્ર મામલે તેઓ દ્વારા પી.આઇ.યુ ભરૂચ સર્કલ ઓફિસ વડોદરા તથા મુખ્ય કચેરી ગાંધીનગરને પણ જાણ કરવામાં આવી છે, પરંતુ સમગ્ર કોઈ પણ બાબત ઉપર આજદિન સુધી કોઈ પણ પ્રકારની તપાસ કરવાની તસદી લેવામાં આવી નથી. ભરૂચ જિલ્લાના બાહોશ અને નીડર અધિકારી નાયબ કાર્યપાલક ઈજનેર રાકેશ મીઠાઈવાલા દ્વારા આટલો મોટો ભ્રષ્ટાચાર કર્યા પછી પણ અરજદાર દ્વારા રજુઆત કરતા તેઓને સામે જવાબ મળ્યો હતો કે “અમો અહીં માહિતી આપવા જ બેઠા છે, તું આર.ટી.આઈ કર્યા જ રાખ મારું કંઈ થવાનું નથી, ઉપર સુધી સેટિંગ છે તને ખોટો ફસાઈ દઈશું અને ઈજારદાર પણ મિનિસ્ટરનો માણસ છે વિચારી લેજે” એવુ જણાવવામાં આવ્યું હતું.
*મારી પાસે ભ્રષ્ટાચારના તમામ લેખિત પુરાવા છતાં તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસમાં ઢીલાશ-જેરામભાઈ ગલચર
RTI એક્ટિવસ્ટ જેરામભાઈ ગલચર દ્વારા પી.આઈ.યુ વિભાગ દ્વારા આચારવામાં આવેલ ભ્રષ્ટાચાર સામે છેલ્લા 6 મહિનાથી લડત ચલાવવામાં આવી રહી છે. ભરૂચથી લઈ મુખ્ય ઈજનેર ગાંધીનગર, તેમજ મુખ્યમંત્રી, વિપક્ષના નેતા સહિત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુધી તેઓએ આ કથિત ભ્રષ્ટાચાર મામલે લેખિત રજુઆતો કરી છે, છતાં તેઓની આ રજુઆતને અત્યાર સુધી ધ્યાન પર લેવામાં આવી નથી અને ભ્રષ્ટ અધિકારીઓને છાવરવામાં આવતા હોવાના આક્ષેપો તેઓએ કર્યા હતા, આ ઉપરાંત તેઓને મામલે અવારનવાર ધાક ધમકીઓ પણ મળતી હોવાના આક્ષેપો તેઓએ કર્યા હતા.