ભરૂચ જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતમાં કેટલાય લોકો મોતને ભેટી રહ્યા છે. વીતેલા 48 કલાકમાં જ ત્રણ જેટલાં વ્યક્તિઓએ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હોય તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે, જેમાં વધુ એક ઘટના દહેજ આમોદ રોડ પર સર્જાતા એક બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના બાપોદ જકાતનાકા પાસે રહેતા ઈશ્વરભાઈ મગનભાઈ વસાવા નાઓ તેઓની હોન્ડા સાઈન ગાડી લઈ વડોદરાથી ભરૂચના દહેજ લખા બાવાના મંદિરે તેઓની પત્ની અને પુત્રી સાથે આવ્યા હતા, દરમ્યાન દર્શન કરી તેઓ દહેજથી આમોદ રોડ થઈ વડોદરા પરત જઈ રહ્યા હતા.
વાગરાના પણીયાદરા ગામ પાસે રસ્તાનું કામકાજ ચાલુ હોય તેઓએ મોટર સાયકલ રોંગ સાઈડ કરી પસાર થઈ રહ્યા હતા તે જ સમયે સામેથી આવી રહેલ ટ્રેલર નંબર RJ 09 GC 3216 ના ચાલક પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તેઓની મોટર સાયકલને અડફેટે લેતા મોટર સાયકલ પર સવાર 11 વર્ષીય પ્રિયાંશી ઈશ્વરભાઈ વસાવાનું ટ્રેલરના આગળના ટાયર નીચે આવી જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જે અકસ્માતની ઘટના બાદ ટ્રેલરનો ચાલક ટ્રેલર મૂકી સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો.
અકસ્માતની ઘટના અંગેની જાણ દહેજ પોલીસ મથકે થતા પોલીસે સ્થળ ઉપર દોડી જઈ મૃતક બાળકીની લાશનો કબ્જો લઈ તેણે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રેલર ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.