ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકમાં ઈદુલ ફીત્ર પર્વની મુસ્લિમ સમાજ દ્વારા શાનદાર ઉજવણી કરાઇ હતી. મુસ્લિમ સમાજના અતિ મહત્વપૂર્ણ પવિત્ર રમઝાન માસનો ચાંદ દેખાતા ઈદની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ઈદની જાહેરાત થતા મુસ્લિમ સમાજના લોકોમાં ઇદની ઉજવણીનો ભારે થનગનાટ જોવા મળ્યો હતો. ઈદ પ્રસંગે નગરની મક્કા મસ્જિદ સહિત વિવિધ વિસ્તારોમાં આવેલી મસ્જિદો, દરગાહોને રોશનીથી શણગારવામાં આવી હતી.
ઇદ નિમિત્તે નગરમાં આવેલી ઇદગાહ સહિત નગરની વિવિધ મસ્જિદોમાં ઈદુલ ફિત્રની વિશેષ નમાઝ મુસ્લિમ બિરાદરો દ્વારા અદા કરવામાં આવી હતી. નગરની દ્દરેક મસ્જિદોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઇદની નમાઝ માટે ઉમટી પડયા હતા. નગરની મક્કા મસ્જિદમાં ચિશ્તીયા નગર સ્થિત હજરત સૈયદ પીર ફરિદુદ્દિન સાહેબના પીરઝાદા સૈયદ સલીમુદ્દીન પીરઝાદા, ડો. સૈયદ મતાઉદ્દીન પીરઝાદા સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઇદની નમાઝ બાદ બન્ને મહાનુભાવોએ હાજરજનોને ઇદની મુબારકબાદી પાઠવી હતી.
મક્કા મસ્જિદના ખતીબો ઇમામ મૌલાના મોહંમદ અશરફીએ ઇદની ઉજવણી ઇસ્લામી તરીકા મુજબ કરવા વિશેષ અનુરોધ કર્યો હતો. મૌલાના મોહમ્મદ અશરફીએ ઇદની વિશેષ નમાઝ અદા કરાવી હતી. દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે એ માટે વિશેષ દુઆ ગુજારી હતી. ઈદની નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ભેટી ઇદની મુબારકબાદી પાઠવી હતી. ઇદ નિમિત્તે મુસ્લિમ સમાજના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઇદની નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા દરગાહોની જિયારત કરી હતી અને કબ્રસ્તાન જઈ આ ફાની દુનિયાને અલવિદા કરી જતા રહેલા પોતાના સ્વજનોની કબરો પર ફૂલ અર્પણ કરી ખિરાજે અકીદત પેશ કરી હતી.
ઇદ નિમિત્તે નાના બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બજારોમાં નવા નવા વસ્ત્રો પરિધાન કરી બાળકો, યુવાનો ફરતા નજરે પડ્યા હતા.પાલેજ પંથકના સાંસરોદ, હલદરવા, વરેડિયા,સેગવા, માંચ, વલણ, ઇખર, માકણ, કંબોલી, મેસરાડ, ટંકારીયા વગેરે ગામોમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા ઈદની ઉજવણી કરાઇ હતી. પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર શિલ્પા બેન દેસાઈએ પાલેજ પોલીસ મથકના તાબા હેઠળ આવતા ગામોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. શાંતિપૂર્ણ માહોલમાં ઇદની ઉજવણી થઈ હોવાના અહેવાલ સાંપડ્યા હતા.
યાકુબ પટેલ, પાલેજ