ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત જી.આઈ.ડી.સી માં વેસ્ટમાંથી પ્લાસ્ટિકનાં દાણ બનાવતી ભવાની પ્લાસ્ટિક કંપનીમાં ગતરોજ સાંજે પાંચ વાગ્યે અગમ્ય કારણોસર અચાનક આગ લાગતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. લાગેલી ભીષણ આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં લોકોના જીવ તાળવે ચોંટયા હતા. કાળા ધુમાડાના ગોટે ગોટા પાલેજ ટાઉન સુધી નજરે પડ્યાં હતાં. આગની જાણ ફાયર વિભાગને કરાતા જનોર એન ટી પી સી કંપની તેમજ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડના ટેન્કરો ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવી લીધો હતો. કંપનીમાં લાખોનું નુકશાન થયાનું અનુમાન થઈ રહ્યું છે.કંપનીમાં ગોડાઉનમાં તેમજ બહાર વેસ્ટ પ્લાસ્ટિક સ્ક્રેપનો મોટો જથ્થો સળગી ગયો હતો. ઘટના સબંધે એસ ડી એમ /ભરૂચ ગ્રામ્ય મામલતદાર/ ફાયર ફાઇટર અધિકારી પાલેજ દોડી આવ્યા હતાં.
પાલેજ ખાતે જી આઈ ડી સી ઉપરાંત જીનીગ પ્રેસિંગ તેમજ આસપાસનો વિસ્તારમાં ફાયર બ્રિગેડની સુવિધા માટે સ્વાગત ઓન લાઈન એપ્લિકેશન પણ પાલેજ પંચાયત દ્વારા સી એમ ને કરવામાં આવી છે. જેમાં ફાયર ફાઇટર સહિત ફાયર સેફટી સુવિધાઓની માંગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પાલેજ જી.આઈ.ડી.સી માં જાણીતી ફિલિપ્સ કાર્બન બ્લેક કંપનીએ ગઈકાલે ફાયરબ્રિગેડનાં ટેન્કરોમાં અંદાજે ૪૮ હજાર લીટર પાણી પોતાની કંપનીમાં રહેતાં સ્ટોરેજ પાણીમાંથી પૂરું પાડ્યું હતું. દર દસ મિનિટે એક એવાં ચાર ટેન્કરોમાં પાણી પૂરું પાડતાં ફાયરબ્રિગેડને પણ આગને ઝડપથી કન્ટ્રોલ કરવામાં સુવિધા પ્રાપ્ત થઈ હતી. એમ કંપની સંચાલક એમ.પી સિંઘે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પાલેજ ખાતે જીઆઇડીસી માં કેમિકલ, રબર અને અન્ય કંપનીઓ આવેલી હોઇ અવારનવાર આગની અને આકસ્મિક ઘટનાઓ બનતી હોય છે. પાલેજ ખાતે ફાયર ટેન્કર સુવિધાના અભાવને કારણે આગની ઘટનાઓમાં મોટું નુક્સાન થાય છે. તો પાલેજ જેવા વિકસિત નગરને તાત્કાલિક ફાયર ટેન્કર સુવિધા આપવા પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.
યાકુબ પટેલ, પાલેજ