જિલ્લાના પ્રખર વક્તા, શબ્દોના મહારથી, રાજકીય સામાજિક અગ્રણી એવા ચિત્રકાર અને પત્રકાર જગતના અગ્રણી એવા ઉમદા વ્યક્તિત્વ ધરાવતા જગદીશ પરમારનું દુઃખદ નિધન થયું છે.
ભરૂચ જિલ્લાના સહકારી, રાજકીય, સામાજિક અને સેવા ક્ષેત્રે હમેશા આગળ રહેતા ઉમદા પત્રકાર જગદીશ પરમારને ગતરાત્રે હદય રોગનો હુમલો આવતા ભરૂચ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ટુંકી સારવાર બાદ ૫૫ વર્ષની ઉંમરે તેઓનું નિધન થયું હતું.
સદગત જગદીશ પરમારની અંતિમયાત્રા તેમના અયોધ્યા નગર સ્થિત નિવાસ સ્થાનેથી સાંજે નીકળી ભરૂચના પાવન દશાશ્વમેઘ ઘાટ ખાતે પહોંચી હતી જ્યાં તેઓના નશ્વર દેહને અગ્નિદાહ આપવામા આવ્યો હતો. તેઓની અંતિમ યાત્રામાં રાજકીય, સામાજિક અગ્રણીઓ, પત્રકારો સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ જોડાયા હતા. વરિષ્ઠ પત્રકાર, નિખાલસ વક્તા જગદીશ પરમારને ભરૂચ જિલ્લાના વહીવટી, રાજકીય, પોલીસ, સામાજિક-શેક્ષણિક સંસ્થાઓ, સહકારી મંડળીઓ તેમજ પત્રકારો દ્વારા શ્રધ્ધાંજલિ અર્પવામા આવી હતી.
જગદીશભાઈની પત્રકારત્વની સફર…
જગદીશ પરમારે ભરૂચની લોકલ ટીવી ચેનલો ઉપરાંત ગુજરાત ગાર્ડિયન, ગુજરાત મિત્ર, સંદેશ, ગુજરાત સમાચાર સહિત કેટલાયે લઘુ અખબારોમાં પત્રકાર તરીકે ફરજ બજાવી હતી. જિલ્લાના પત્રકારોના સંગઠન ભરૃચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ તરીકે પણ બે વર્ષ સેવા આપી હતી. પત્રકારત્વ ઉપરાંત રાજકીય ક્ષેત્રે પણ તેઓ ભાજપમાં સક્રિય હતા અને ભરૃચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમને તરીકે તેઓએ સેવા આપી હતી.
શૈક્ષણિક, સામાજિક સંસ્થા, સહકારી કે રાજકીય ક્ષેત્ર હોય કે પછી કલા કે રમતગમત દરેકમાં જગદીશ પરમાર પોતાની પ્રતિભાથી કુશળ સુકાની પુરવાર થયા હતા. જિલ્લાના અનેકવિધ કાર્યક્રમોમાં કુશળતા પૂર્વક એંકરીંગ દ્વારા પોતાની આગવી છાપ તેઓએ છોડી છે. પત્રકાર જગતમાં તો તેમની કલમ અને શબ્દોમાં મહારથે અનેકને તેમના પ્રશંસક બનાવી દીધા હતા.
સરકારી કે રાજકીય કોઇપણ કાર્યકમ હોય જિલ્લાના પત્રકારોમાં જગદીશ કાકાના હુલામણા નામથી સહુના ચાહિતા જગદીશ પરમાર તેઓની કલમ, શબ્દો, ચિત્રકલા અને પ્રતિભા સાથે ભરૂચ જિલ્લાના જન જનના હૃદયમાં કાયમ જીવંત રહેશે. વધુમાં સામાજિક કાર્યક્રમોમાં તેઓની હાજરીના મહત્વને ધ્યાને લેવાતું અને તેમના મુખેથી નીકળતા શબ્દોની રમઝટને લોકો વધાવી લેતા હતા. ભરુચમાં એક દિવ્ય વ્યક્તિની ખોટ અવિસ્મરણીય રહેશે.