વાલીયા તાલુકા ખેત બજાર ઉત્પન્ન સમિતિની યોજાયેલ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ખેડૂત સમર્પણ પેનલનાં યોગેન્દ્રસિહ જશવંતસિંહ મહિડાની પેનલનો જંગી બહુમતીથી વિજય થયો.
ગતરોજ સવારે વાલિયા એપીએમસી ખાતે વાલિયા એ.પી.એમ.સી.ની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જોકે, સાંજે પાંચ વાગ્યા સુધીમાં શાંતિપૂર્વક વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. મતદાન પેટીઓને સીલબંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી એપીએમસી ખાતે મુકવામાં આવી હતી આજરોજ ચૂંટણી અધિકારીની હાજરીમાં મતદાન પેટીઓ ખોલી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 16 બેઠકોમાં ખેડૂત વિભાગની 10 બેઠકો ઉપર 20 પૈકી ભાજપ પ્રેરિત ખેડૂત સમર્પણ પેનલના 9 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો જયારે એક બેઠક ઉપર બંને ઉમેદવારોને સરખા મત મળતા ચિઠ્ઠી ઉછાળી ભાજપના અશોક વેચાણભાઈ ગામીતને વિજેતા જાહેર કરાયા હતા. તો સહકારી ખરીદ વેચાણ વિભાગની 2 બેઠકો માટે ચાર ઉમેદવારો પૈકી સહકાર પટેલના બે ઉમેદવારોનો વિજય થયો હતો જયારે વેપારી વિભાગની ચાર બેઠકો ઉપર સાત ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ત્રણ બેઠક ઉપર ખેડૂત સમર્પણ પેનલ અને એક બેઠક ઉપર સહકાર પેનલના ઉમેદવાર ચૂંટાઈ આવ્યાં હતા. ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થતા ટેકેદારોએ ચૂંટાયેલા સભ્યોનું ફૂલહાર પહેરાવી વધાવી લીધા હતા.
વાલિયા એપીએમસી ની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો
Advertisement